દિવાળીના તહેવારો પૂર્વે શહેરમાં વધ્યો છે તસ્કરોનો આંતક
મીની બજારની ઓફિસમાંથી રૂ. 13.65 લાખના હીરાની ચોરી
CCTV ફૂટેજના આધારે પોલીસે તસ્કર ઈસમને ઝડપી પાડ્યો
પૂર્વ કર્મચારીએ ઓફિસમાંથી ચોરી કરી હોવાનું બહાર આવ્યું
ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલીને ચોરી કરી હતી : પોલીસ
સુરત શહેર તથા જીલ્લામાં દિવાળીના તહેવારો પૂર્વે તસ્કરોનો આંતક સામે આવ્યો છે. વરાછા વિસ્તારના મીની બજારની ઓફિસમાંથી રૂ. 13.65 લાખના હીરાની ચોરી કરનાર પૂર્વ કર્મચારીની પોલીસે ધરપકડ કરી હતી.
સુરત શહેરના વરાછા વિસ્તારના મીની બજારની ઓફિસમાંથી રૂ. 13.65 લાખના હીરાની ચોરી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જેમાં અજાણ્યા શખ્સે ઓફિસમાં પ્રવેશ કર્યા બાદ અંદાજે રૂ. 13.65 લાખના 6129 કેરેટના કાચા અને તૈયાર હીરાની ચોરી કરી હતી. જોકે, ફરિયાદીએ આશરે 12 વાગ્યે મોબાઈલમાં ઓફિસના CCTV કેમેરા તપાસતા કંઈ જ દેખાતું નહોતું, જેથી તેઓને નેટવર્કની સમસ્યા લાગી હતી. પરંતુ રિવર્સ કરીને જોતા રાત્રે 10 વાગ્યા બાદ એક અજાણ્યા શખ્સે ઓફિસમાં પ્રવેશ કરીને CCTV કેમેરામાં કંઈક હરકત કરી હોવાનું જણાયું હતું.
સમગ્ર મામલે ફરિયાદીએ વરાછા પોલીસનો સંપર્ક કરતાં પોલીસે CCTV ફૂટેજ જોઈ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી જાણભેદુની દિશામાં તપાસ શરૂ કરી હતી. પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, રૂ. 13.65 લાખના હીરાની ચોરી પૂર્વ કારીગર અલ્પેશ રામાણીએ જ કરી છે. પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું હતું કે, પૂર્વ કર્મચારી અને હાલ બેકાર બનેલા રત્ન કલાકાર આરોપીએ ડુપ્લીકેટ ચાવીથી ઓફિસનું તાળું ખોલી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો, ત્યારે હાલ તો પોલીસે પૂર્વ કારીગરની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.