-
પૂણાના શાક માર્કેટમાં નકલી ચલણનો પર્દાફાશ
-
બે શખ્સો વટાવી રહ્યા હતા નકલી નોટ
-
રૂ.500ની નોટ વટાવવા જતા બે શખ્સોની SOGએ કરી ધરપકડ
-
બે આરોપીની ધરપકડ સાથે રૂ.9000ની નોટ પણ કરી જપ્ત
-
પશ્ચિમ બંગાળના શખ્સને વોન્ટેડ જાહેર કરતી પોલીસ
સુરતના પુણા શાકભાજી માર્કેટમાં રૂપિયા 500ની નકલી નોટો વટાવવા જતા બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.પોલીસે કુલ 9,000 રૂપિયાની ડુપ્લીકેટ નોટો જપ્ત કરી છે. અને પશ્ચિમ બંગાળના શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.
સુરતના પુણાનાં શાકભાજી માર્કેટમાં બે ભેજાબાજ શખ્સો બનાવટી રૂપિયા 500ની ચલણી નોટ વટાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની માહિતી SOGને મળી હતી,જેના આધારે પોલીસે તપાસ શરૂ કરીને બંને શખ્સોની ધરપકડ કરી હતી,અને રૂપિયા 9000ની ડુપ્લીકેટ નોટ જપ્ત કરી હતી.આ ઘટનામાં ફેક કરન્સી અને એક આરોપી સુરેશ પશ્ચિમ બંગાળના બાંગ્લાદેશ બોર્ડર નજીકના માલદા વિસ્તારથી જોડાયેલો છે.પોલીસે કુલ રૂપિયા 1 લાખ 25 હજાર 330ના મુદ્દામાલ સાથે આરોપીઓને દબોચી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હાલમાં SOG દ્વારા વિજય નરશીભાઈ ચૌહાણ અને સુરેશ ઉર્ફે ગુરૂજી ઉર્ફે ચકોર માવજીભાઈ લાઠીદડીયાની ધરપકડ કરી છે.અને તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસને ત્રીજા આરોપી તાહીર ઉર્ફે કાલી ઉર્ફે કાલીયા ઉર્ફે કાલીયો (રઈજુદ્દીન શેખ)ની શોધ છે, જે હજુ પણ ફરાર છે. જે શુકપરા ગામ, જોયેનપુર ગ્રામ પંચાયત, થાણા બૈશ્વનવનનગર કાલીયા ચોક, જિલ્લો માલદા, પશ્ચિમ બંગાળમાં રહે છે. સુરેશની ધરપકડ ફેક કરન્સી રેકેટના એક મોટા કૌભાંડ સાથે જોડાયેલી હોવાનું માનવામાં આવે છે.NIA દ્વારા તેની પર ત્રણ કેસ દાખલ કરાયા છે, છતાં તે હાઈ-ક્વોલિટી નકલી ચલણનો ગોરખધંધો ચાલુ રાખતો હતો.
આરોપીઓએ નકલી નોટો છાપીને ભારતીય બજારમાં ચલાવવા માટે ખાસ ગેંગ બનાવી હતી.તેઓ પહેલા લોકો પાસેથી સાચી ચલણી નોટો સ્વીકારી લેતા અને પછી વટાવી દેવા માટે નકલી નોટો આપી દેતા હતા. આ કાવતરું પૂર્વ-આયોજિત અને ભારતીય અર્થતંત્રને ખોખલું કરવા માટે રચાયેલું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ આગળની કાર્યવાહી ચાલુ છે.