સારોલી પાસેથી ગાંજા સાથે યુવક ઝડપાયો
ઓડિશાથી લાવવામાં આવ્યો હતો ગાંજાનો જથ્થો
1.70 લાખના ગાંજા સાથે એક યુવકની ધરપકડ
લોકેશન ચેન્જ થતા યુવક ઝડપાય ગયો
પોલીસે ઓડિશા સુધી તપાસનો દોર લંબાવ્યો
સુરતના સારોલી ચેકપોસ્ટ પરથી પોલીસે ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી,અને પોલીસે રૂપિયા 1.70 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરતના સારોલી ચેકપોસ્ટ પાસે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, તે દરમિયાન એક શખ્સ ગાંજો લઈને આવી રહ્યો હોવાની પોલીસને મળેલી બાતમીને આધારે પોલીસે ચુસ્ત ચેકીંગ પ્રક્રિયા હાથ ધરી હતી,જેમાં એક યુવક શંકાસ્પદ રીતે ઝડપાઈ ગયો હતો.પોલીસે તેની તલાશી લેતા થેલામાંથી પોલીસને ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસની પૂછપરછમાં આરોપીએ પોતાનું નામ અનિલ કરુણાકર બહેરા ઉ.વ.33 અને ઓડિશાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું,અનિલ આ ગાંજાનો જથ્થો ઓડિશાથી પોતાના જ્ઞાતિ ભાઈ મુન્ના બહેરા પાસેથી લાવીને સુરતમાં પિન્ટુ બિશ્નોઈને આપવાનો હોવાનું જાણવા મળ્યું હતું.
જોકે પ્રથમ સુરત શહેરના સહારા દરવાજા પાસે ગાંજાની ડિલિવરી કરવાની હતી,પરંતુ અનિલ કડોદરા ઉતરી જતા પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો.સારોલી પોલીસે અનિલ બહેરાની ધરપકડ કરીને રૂપિયા 1.70 લાખનો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો,અને ફરાર આરોપીઓની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.વધુમાં પોલીસે આ ઘટનામાં ઓડિશા સુધી તપાસનો દોર લંબાવ્યો હતો.