સુરતમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કોલકાતા દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં વિશાળ રેલી યોજી દોષીતો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં આજે ગુજરાતભરની સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોએ સમર્થન આપ્યું છે. હોસ્પિટલોમાં ઇમર્જન્સી સિવાયની તમામ સેવા બંધ રાખવામાં આવી છે. આથી દર્દીઓએ આજે પણ હાલાકીનો સામાનો કરવો પડી રહ્યો છે, ત્યારે સુરતમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કોલકાતા દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં વિશાળ રેલી યોજાય હતી. નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી નીકળેલી રેલી જિલ્લા કલેકટર ખાતે પહોચી સંપન્ન થઈ હતી, જ્યાં કલેકટર કચેરી પરિસરમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત તબીબોએ પશ્ચિમ બંગાળની ઘટનામાં મોતને ભેટેલી મહિલા તબીબને 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ સાથે જ કડક કાયદો અને મહિલા તબીબોની સુરક્ષામાં વધારો કરવાની માંગ સાથે તંત્રને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.