/connect-gujarat/media/post_banners/a9fadc99e88db077a9231d5c9c110b9c49887bb3bda55f0b1d77391e2e431970.jpg)
સુરત શહેરના પુણા વિસ્તારમાં દુર્ગંધ મારતી ખાડીની સમસ્યા લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શાસક અને વિરોધ પક્ષ ભાઈ-ભાઈ નામના બેનર મારીને અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો.
સુરતના પુણા વિસ્તારની મધ્યમાંથી પસાર થતી ખાડીને લઈ સ્થાનિકોએ અનેક વખત વિરોધ નોંધાવ્યો છે. ખાડી સફાઈ નહીં થતા ખાડીમાં મચ્છર અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જોકે, છેલ્લા 20 વર્ષથી ખાડીના કારણે લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે, ત્યારે નેતાઓ અને મનપાને વારંવાર રજુઆત છતાં આજદિન સુધી કોઈ પરિણામ આવ્યું નથી. ખાડીની આસપાસની આવેલી 14 સોસાયટીના લોકોને રોગચાળો ફેલાવાનો ડર લાગી રહ્યો છે. ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થતાની સાથે જ સ્થિતિ અસહ્ય થશે, ત્યારે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અનોખી રીતે વિરોધના શૂર પુરીને શાસકો સામે અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે. જેમાં શાસકો અને વિપક્ષ ભાઈ-ભાઈના બેનરો ખાડી નજીક મારીને ઉગ્ર વિરોધ દર્શાવાયો હતો. મેયર અને ડેપ્યુટી મેયરના ફોટો ખાડી નજીક લગાવામાં આવ્યા હતા. સાથે જ આપના વિરોધપક્ષના નેતાનો પણ ફોટો લગાવીને ભાઈ-ભાઈ હોવાનું લખાણ લખી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.