શહેરમાં MD ડ્રગ્સ બાદ હવે હાઈબ્રિડ ગાંજો કારોબાર વધ્યો
સારોલી પોલીસે મોટા પ્રમાણમાં હાઈબ્રિડ ગાંજો જપ્ત કર્યો
રૂપિયા 78 લાખનો અઢી કિલો હાઈબ્રિડ ગાંજો જપ્ત કરાયો
મુંબઈથી ગાંજો લાવનાર 2 શખ્સોની પોલીસે ધરપકડ ધરી
ગાંજાનો જથ્થો આપનાર-લેનારને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા
સુરત શહેરના સારોલી વિસ્તારમાં પોલીસે એક લક્ઝરી બસમાંથી અંદાજે રૂ. 78 લાખનો હાઈબ્રીડ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે ગાંજો સપ્લાય કરનાર તેમજ મેળવનાર શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે.
સુરત શહેર તથા જિલ્લામાં MD ડ્રગ્સ બાદ હવે હાઈબ્રિડ ગાંજાનો કારોબાર ખૂબ વધ્યો છે, ત્યારે સુરતના સારોલી રોડ પર નિયમિત ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક લક્ઝરી બસને રોકી હતી. આ બસની તપાસ કરતાં અંદરથી મોટી માત્રામાં શંકાસ્પદ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેની બજાર કિંમત આશરે 78 લાખ રૂપિયા અંદાજવામાં આવી છે. આ ગાંજો અત્યંત ઉચ્ચ ગુણવત્તાનો એટલે કે, હાઈબ્રીડ ગાંજો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટના સ્થળેથી 3 આરોપીઓ મયુદીન અકબર ચાવડા અને આદિબ હાજી શ્રીમાળીની ધરપકડ કરી છે. આ બન્ને આરોપીઓ મૂળ પાલીતાણાના રહેવાસી છે.
પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, એક આરોપી કાપડનો વેપારી છે, જ્યારે બીજાની બેટરીની દુકાન છે. બન્ને આરોપીઓ મુંબઈથી ગાંજાનો જથ્થો લાવ્યા હતા, અને સુરતમાં વસીમ રફીક નામના ઈસમ પાસે પહોંચાડવાના હતા. જોકે, પોલીસે ગાંજાનો જથ્થો સપ્લાય કરનાર મુંબઈના ઈમરાન અને સુરતમાં ગાંજો મેળવનાર વસીમ રફીકને વોન્ટેડ જાહેર કર્યા છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ, ગાંજાના રેકેટનો પર્દાફાશ થતાં સુરતના ડ્રગ્સ માફિયાઓમાં ખળભળાટ મચી ગયો છે.