સુરતના વિસ્તારો દિવાળી સમયે થયા ખાલી , ચોરીના બનાવો અટકાવવા માટે પોલીસની જરૂરી કવાયત
સુરત શહેરના કાપોદ્રા, વરાછા, સરથાણા સહિતના વિસ્તારો ખાલીખમ થઈ ગયા છે.દિવાળી પર મોટી સંખ્યામાં લોકો માદરે વતન જતા રહેતા બંધ મકાનમાં થતી ચોરીની ઘટનાને લઈ પોલીસની ચિંતામાં વધારો થયો છે. અને પોલીસ દ્વારા લોકોને રૂબરૂ મળીને જાગૃત કરવામાં આવી રહ્યા છે.
દિવાળીના તહેવારોમાં સુરત શહેર ખાલીખમ જોવા મળી રહ્યું છે.એક તરફ ઉધના,પાંડેસરા, સચિન, ડીંડોલી,ગોડાદરા સહિતના લોકો ઉત્તર ભારત જતા હોય છે. ત્યારે બીજી બાજુ સુરત શહેરના મીની સૌરાષ્ટ્ર તરીકે ઓળખાતા કાપોદ્રા, સરથાણા, કતારગામ, ડભોલી સહિતના વિસ્તારમાં રહેતા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકો પણ તહેવાર મનાવવા માટે પોતાના વતન જતા હોય છે.જેથી ઘણી સોસાયટીઓ ખાલી થઈ જાય છે.આવી પરિસ્થિતિમાં પોલીસ PCR મારફતે લોકોને સૂચના આપી અને પેટ્રોલિંગ કરી રહી છે.
વરાછા પોલીસ દ્વારા બંધ ઘરની આજુબાજુ રહેતા લોકો સાથે મિટિંગ યોજવામાં આવે છે.દરેક સોસાયટીમાં જઈ લોકોને પેમ્પલેટ આપી સોસાયટીના લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે,અને કોઈ શંકાસ્પદ વ્યક્તિની અવરજવર દેખાય તો પોલીસને જાણકારી આપવામાં માટે સૂચના આપવામાં આવી છે.