Connect Gujarat
Featured

વડોદરા : કોવિડ રસીકરણના આયોજનની શિક્ષણ સચિવે કરી સમીક્ષા, સંલગ્ન કર્મચારીઓને અપાશે જરૂરી તાલીમ

વડોદરા : કોવિડ રસીકરણના આયોજનની શિક્ષણ સચિવે કરી સમીક્ષા, સંલગ્ન કર્મચારીઓને અપાશે જરૂરી તાલીમ
X

વડોદરા શહેરમાં કોવીડ રસીકરણ માટેના આયોજન અને સુસજ્જતા અંગે ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.

કોવીડના સર્વાંગી મેનેજમેન્ટ જેટલી જ ચોકસાઈથી વડોદરા શહેરમાં કોવીડ રસીકરણનું વ્યવસ્થાપન કરવામાં આવી રહ્યું છે. જેમાં ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે વડોદરા શહેરમાં કોવિડની રસી માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા વિગતવાર આયોજન અને પૂર્વ સુસજ્જતાની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અગાઉ કોવિડના સર્વાંગી પ્રબંધન જેટલી જ ચોકસાઈથી કોવિડ રસીકરણનું અગ્રીમ આયોજન અને વ્યવસ્થાપન કરવામાં આવી રહ્યું છે.

મહાનગરપાલિકાના કમિશનરના નેતૃત્વ હેઠળ ટીમ વી.એમ.સી.એ શહેરમાં 205 જેટલાં રસીકરણ કેન્દ્રો રાખવાનું આયોજન કરીને કોવિડની રસી આપવાનું ઝીણવટભર્યું વ્યાપક અને ઉમદા આયોજન કર્યું છે. રસીકરણના પ્રથમ તબક્કામાં અંદાજે 17 હજાર જેટલાં શહેરી આરોગ્ય સંભાળ કાર્યકરોને અંદાજે 20 હજાર જેટલા ફ્રન્ટ લાઈન એટલે કે, અગ્રીમ મોરચો સંભાળતા કર્મયોગીઓને રસી આપવાનું આયોજન છે.

તે પછીના તબક્કાઓમાં રસી આપવા માટે અંદાજે 3 લાખ જેટલા લોકો મોર્બિડ અથવા તો 50 વર્ષથી વધુ ઉંમરના શહેરીજનોની ઓળખ કરવામાં આવી છે. રસી આપનારા તેમજ રસીકરણના કામ સાથે સંલગ્ન કર્મચારીઓને જરૂરી તાલીમ આપવાની સાથે રસીના જથ્થાના સલામત પરિવહન અને સંગ્રહ માટે કોલ્ડ ચેન મેનેજમેન્ટ હાથ ધરવામાં આવ્યું છે.

Next Story