Connect Gujarat
Featured

વડોદરા : કરજણ વિધાનસભા બેઠક પર ભાજપ માત્ર બે વખત વિજય મેળવી ચુકયું છે

વડોદરા : કરજણ વિધાનસભા બેઠક પર ભાજપ માત્ર બે વખત વિજય મેળવી ચુકયું છે
X

વડોદરા જિલ્લાની કરજણ વિધાનસભા બેઠક પર 3 નવેમ્બરના રોજ પેટા ચુંટણી યોજવા જઇ રહી છે. ભાજપે કોંગ્રેસમાંથી આવેલાં અને પુર્વ ધારાસભ્ય અક્ષય પટેલને અને કોંગ્રેસે કીરીટસિંહ જાડેજાને ઉમેદવાર બનાવ્યાં છે. 1962થી અત્યાર સુધી આ બેઠક પર 9 વખત કોંગ્રેસનો પંજો લહેરાય ચુકયો છે..

કરજણ વિધાનસભા બેઠકમાં કરજણ, વડોદરા અને શિનોર તાલુકાના અમુક ગામડાઓનો સમાવેશ થવા જાય છે. આ બેઠક 1962માં અસ્તિત્વમાં આવી હતી. અત્યાર સુધીમાં આ બેઠક પર 13 વખત ચુંટણી થઇ ચુકી છે જેમાં કોંગ્રેસ 09 વખત, ભાજપ 02 વખત અને જેડી અને એસડબલ્યુએ એક વખત ચુંટણી જીતી શકયાં છે. 2002 અને 2012માં ભાજપને કરજણ બેઠક જીતવામાં સફળતા મળી છે. 2017ની વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસના અક્ષય પટેલ અને ભાજપના સતીષ પટેલ વચ્ચે મુકાબલો થયો હતો.

જેમાં કોંગ્રેસના અક્ષય પટેલનો વિજય થયો હતો. માર્ચ મહિનામાં થનારી રાજયસભાની ચુંટણી પહેલાં કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાનો દોર શરૂ થયો હતો. જેમાં કરજણના કોંગ્રેસી ધારાસભ્ય અક્ષય પટેલે રાજીનામુ આપી દીધું હતું. 3 નવેમ્બરના રોજ થનારી પેટાચુંટણીમાં ભાજપે અક્ષય પટેલને જયારે કોંગ્રેસે કીરીટસિંહ જાડેજાને ટીકીટ આપી છે. ગત વર્ષે પાટીદાર અનામત આંદોલનની લહેરમાં કોંગ્રેસના અક્ષય પટેલ વિજેતા બન્યાં હતાં. આ વખતે તેમણે પક્ષપલટો કરી ભાજપની કંઠી પહેરી છે ત્યારે પાટીદાર મતો કોના તરફી રહે છે તે આ વિધાનસભા બેઠકનું પરિણામ નકકી કરશે.

બીજી તરફ ભાજપ કોઇ પણ પ્રકારે કરજણ બેઠક જીતવા માંગે છે અને આ બેઠકના પ્રભારી તરીકે રાજયના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાની વરણી કરી છે. મજબુત સંગઠનના કારણે ભાજપના અક્ષય પટેલ વિજેતા બનવાનો દાવો કરી રહયાં છે. બીજી તરફ કોંગ્રેસે કીરીટસિંહ જાડેજાને ટીકીટ આપતાં કોંગ્રેસમાં આંતરિક વિખવાદ શરૂ થઇ ગયો છે. કરજણ બેઠકના 1.50 લાખ કરતાં વધારે મતદારો કોને પોતાનો પ્રતિનિધિ બનાવે છે તે પરિણામ બાદ ખબર પડશે. કરજણ બેઠક પર કોંગ્રેસના ચંદુભાઇ ડાભી સૌથી વધુ ત્રણ વખત ધારાસભ્ય રહયાં છે તેમણે ભાજપના સ્ટાર ઉમેદવાર અને કલાકાર નરેશ કનોડીયાને પણ હરાવ્યાં છે.

Next Story