Connect Gujarat
Featured

વડોદરા: લગ્ન પ્રસંગ ફેરવાયો માતમમાં : લગ્નમંડપમાં કન્યાનું વિદાય વેળા એજ થયું મોત

વડોદરા: લગ્ન પ્રસંગ ફેરવાયો માતમમાં : લગ્નમંડપમાં કન્યાનું વિદાય વેળા એજ થયું મોત
X

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં સપ્તપદીના ફેરા ફર્યા બાદ નવવધૂને વિદાય સમયે ચક્કર આવતા હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં તેનું મૃત્યુ થયું હતું. નવવધૂના મોત બાદ કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ કોરોનાનો રિપોર્ટ કઢાવતા પોઝિટિવ આવ્યો હતો. કોરોનાની ગાઇડલાઇન મુજબ નવવધૂની પરિવારજનો દ્વારા અંતિમવિધિ કરવામાં આવી હતી. નવવધૂ પોતાના સાંસારીક જીવનની શરૂઆત કરે તે પહેલાં જ મૃત્યું થતાં પરિવારજનોની લગ્નની ખુશી શોકમાં ફેરવાઇ ગઇ હતી. વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી ક્રિષ્ણા ટાઉનશિપમાં રહેતા મુક્તાબહેન સોલંકી અને તેમની ટાઉનશિપમાં રહેતા હિમાંશુભાઇ શુક્લા વચ્ચે પ્રેમ સંબધ હતો. પહેલી માર્ચના રોજ પરિવારજનોની ઉપસ્થિતીમાં લગ્ન થયા હતા. લગ્ન બાદ મુક્તાબહેન શુક્લાને તાવ આવ્યો હતો. બે દિવસ સ્થાનિક ફેમિલી ડોક્ટરની દવા લીધી હતી જેથી થોડો આરામ મળ્યો હતો બાદમાં પરિવારજનો દ્વારા આજે મુક્તાને સાસરીમાં વિદાય આપવા માટેનું મૂહુર્ત કાઢવામાં આવ્યું હતું.

પરિવારજનોમાં મુક્તાને ભાવભરી વિદાય આપવામાં ભારે ખુશીનો માહોલ હતો. મુક્તાને વિદાય આપવામાં આવી રહી હતી તેજ સમયે એકાએક મુક્તાને ચક્કર આવતા તે સ્થળ પર ફસડાઇ પડી હતી. મુક્તાના વિદાય સમારંભમાં આવેલા લોકોએ તુરંત જ 108 એમ્બ્યુલન્સ બોલાવી લીધી હતી અને મુક્તાને બેભાન અવસ્થામાં સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. ત્યાં હોસ્પિટલના તબીબોએ સારવાર આપતા પૂર્વે જ મૃત જાહેર કરાતા પતિ હિમાંશુ શુક્લા સહિત પરિવારજનો ઉપર આભ ફાટ્યું હતું. હોસ્પિટલમાં પરિવારજનોના હૈયાફાટ રૂદનથી સન્નાટો પ્રચરી ગયો હતો બીજી બાજુ આ બનાવની જાણ ક્રિષ્ણા ટાઉનશિપમાં થતાં ટાઉનશિપમાં પણ ગમગીની ફેલાઇ ગઇ હતી. મુક્તાની અણધારી વિદાયથી પતિ હિમાંશુ શુક્લ સહિત પરિવારમાં શોકમાં ગરકાવ થઈ ગયો છે.

Next Story