Connect Gujarat
ગુજરાત

વડોદરા : “ઘર ઘર યોગ, હર ઘર રહે નિરોગ” મંત્રને સાકાર કરવા યોગ ગુરૂઓની પસંદગી કરાઇ

વડોદરા : “ઘર ઘર યોગ, હર ઘર રહે નિરોગ” મંત્રને સાકાર કરવા યોગ ગુરૂઓની પસંદગી કરાઇ
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિટ ઇન્ડિયા મુવમેન્ટનો પ્રારંભ કરાવી ભારતના નાગરિકોને નિરોગી અને સ્વસ્થ રહેવાનો સંદેશ આપ્યો છે. ફિટ ઇન્ડિયા મુવમેન્ટને પગલે ભારતના કેટલાય નાગરિકો યોગાસન અને સ્વાસ્થ્ય સંબંધી અન્ય પ્રવૃત્તિઓ સાથે જોડાયા છે. ગુજરાત સરકાર પણ ફિટ ઇન્ડિયા મુવમેન્ટમાં વધુ સહયોગી બની સતત અને સઘન પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ફિટ ઇન્ડિયા મુવમેન્ટનો “ઘર ઘર યોગ હર ઘર રહે નિરોગ” મંત્રને સાકાર કરવા ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા ડિસેમ્બર-૨૦૧૯ દરમિયાન ૬ હજાર ફોર્મ ઓનલાઇન ભરવામાં આવ્યા હતા, તેમાંથી ૪૦૦ લોકોની પસંદગી કરવામાં આવી હતી.

પસંદ થયેલ આ ૪૦૦ લોકોને અડાલજ ખાતે બોલાવી થિયરી અને પ્રેક્ટિકલ પરીક્ષા, તેમના અનુભવો અને ઇન્ટરવ્યુ કરવામાં આવ્યા, તેમાંથી ૧૫૦ની પસંદગી ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા કરવામાં આવી. ફિટ ઇન્ડિયા મુવમેન્ટ હેઠળ રાજયભરમાં ૧૫૦ યોગ કોચ યોગ તાલીમ મેળવી બીજાઓને યોગ પ્રશિક્ષણ આપી રહ્યા છે. જેમાંથી ૬ યોગ કોચ વડોદરા ખાતે અલગ-અલગ વિસ્તારમાં યોગ તાલીમ આપી રહ્યા છે.

ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા યોગ તાલીમ મેળવી હોય તે તમામની માર્ચ દરમિયાન પરીક્ષા યોજાશે અને પાસ થનાર સાધકોને યોગ સેવકની પદવી આપવામાં આવશે. આ યોગ સેવકો પણ નાગરિકોને યોગની તાલીમ આપશે અને તેમની પણ પરીક્ષા યોજવામાં આવશે ફરી પાસ થનાર સાધકોને યોગ સેવકની પદવી આપવામાં આવશે અને તેઓ પણ નાગરિકોને યોગની તાલીમ આપશે. આમ, નાગરિકોના જીવનમાં યોગને સાહજિક કરવા અને યોગને જીવનનો તથા નિત્યક્રિયાઓનો ભાગ બનાવી સ્વાસ્થ્ય સ્તર ઉંચો લાવવાનો રાજય સરકારનો ઉદ્દેશ્ય છે.

૬ યોગ કોચ વડોદરા ખાતે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ હેઠળ કાર્યરત છે. આ યોગ કોચ દ્વારા તા.૨ ફેબ્રુઆરી થી તા.૧ માર્ચ-૨૦૨૦ દરમિયાન ૩૮૦થી વધુ નાગરિકોને યોગ, પ્રાણાયામ, એક્યુપ્રેશરની તાલીમ આપવામાં આવી છે. આ છ યોગ કોચમાંથી એક કોચ છે વડોદરા સ્થિત ૪૧ વર્ષીય ડૉ. સોનાલી નીરજ માલવીયા છે. તેઓ વડોદરા સ્થિત ભીમતળાવ ગાર્ડન, ન્યુ સન ફાર્મા રોડ ખાતે ૩૮૦થી વધુ નાગરિકોને યોગ તાલીમ આપી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજયમાં પસંદગી પામેલ ૧૫૦ યોગ કોચમાંથી નં.૧ વિશેષ યોગ કોચ તરીકે ડૉ.સોનાલી માલવીયાની પસંદગી ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા કરવામાં આવી છે. રાજય સરકાર દ્વારા તેમનું સન્માન વિશ્વ મહિલા દિન નિમિત્તે યોજાનાર સન્માન કાર્યક્રમમાં કરવામાં આવશે. આ ઉપરાંત ડૉ. સોનાલીને તેમના યોગ તાલીમ કામગીરી માટે તાજેતરમાં GAIL ઇન્ડિયા, બ્રહ્મકુમારી અને પતંજલિ એ પણ સન્માનિત કર્યા હતા.


Next Story