/connect-gujarat/media/post_banners/6639bf514830481b4dc26411d347b52ab8b99e306d3415551e212f1decdebf3e.jpg)
રાજયમાં એક તરફ સૌરઉર્જાના વપરાશ પર ભાર મુકવામાં આવી રહયો છે તો બીજી તરફ સૌર ઉપકરણોના રો- મટીરીયલ પર લાગતાં જીએસટીમાં સીધો સાત ટકાનો વધારો ઝીંકી દેવાયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉર્જાના પુન:પ્રાપ્ય સ્ત્રોતનો ઉપયોગ વધારવા પર ભાર મુકી રહયાં છે. વર્તમાન સ્થિતિ પર નજર નાંખવામાં આવે તો હવે મોટા ભાગના ઘરો કે શોપીંગ કોમ્પલેકસ પર સોલાર પેનલ લાગેલી જોવા મળી રહી છે. સોલાર પેનલ થકી સુર્યની ઉર્જાને વીજળીમાં રૂપાંતરિત કરવામાં આવે છે. વીજળીના વધતાં જતાં ભાવની સામે સોલર પેનલ લોકો માટે બહુઉપયોગી સાબિત થઇ રહી છે. સરકાર પણ સોલાર ઉર્જાના ઉપકરણો પણ સબસીડી આપી રહી છે. સોલર ઉર્જાના વધતાં જતાં વ્યાપ વચ્ચે સરકારે અચાનક જીએસટીમાં વધારો કરી દીધો છે. સોલાર ઉર્જાના સાધનોમાં વપરાતા રો- મટીરીયલ પર લાગતો જીએસટી 12 ટકા કરી દેવાયો છે જે અગાઉ માત્ર 5 ટકા હતો. જીએસટીમાં કરાયેલા વધારાના વિરોધમાં સોલર ઉદ્યોગકારો વડોદરા ખાતે આવેલી જીયુવીએનએલની કચેરી ખાતે એકત્ર થયાં હતાં અને નારેબાજી કરી હતી. જો સરકાર જીએસટી માં ઘટાડો નહીં કરે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉદ્યોગકારોએ ઉચ્ચારી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 650 થી વધુ સોલાર ઉદ્યોગકારો છે. આ ક્ષેત્ર થકી 10,000 થી વધુ લોકોને રોજગારી મળી રહે છે. જો રો મટીરીયલ પર જીએસટીમાં વધારો પાછો ખેંચવામાં નહિ આવે તો સોલર ઉદ્યોગ બંધ થાય તેવી પણ સંભાવના નકારી શકાય તેમ નથી. જો આ ઉદ્યોગ બંધ થશે તો ગ્રાહકો પર દર વર્ષે 40 કરોડ નો બોજો આવી શકે છે.