/connect-gujarat/media/post_banners/8865eed70953ac0f36bddcb488c11847944bbcb966cd4eb40d373a16df0b17a4.jpg)
વડોદરા શહેરમાં મહાનગરપાલિકા સંચાલિત 399 જેટલી આંગણવાડીઓમાં છેલ્લા 5 દિવસથી તેલના અભાવે બાળકોને નાસ્તો નહીં મળતા પાલિકાના વિપક્ષી નેતાએ મ્યુનિસિપલ કમિશનરની ગંભીર બેદરકારી હોવાનો આક્ષેપ કર્યો હતો.
એક તરફ ભાજપ સરકાર બાળકોને પૌષ્ટીક આહાર મળી રહે તેની વાતો કરે છે, તો બીજી તરફ તાજેતરમાં જ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની વર્ષગાંઠ નિમિત્તે આંગણવાડીના ભૂલકાંઓને પૌષ્ટિક આહાર માટે દત્તક લેવાની વાત કરી હતી. જોકે ભાજપ તરફથી જે પણ આવી જાહેરાતો થાય તે માત્ર એક દિવસ માટે જ દેખાવા પૂરતી હોય તેમ લાગી રહ્યું છે. હાલમાં કોર્પોરેશન સંચાલિત વડોદરા શહેરની 399 આંગણવાડીમાં 10 હજારથી ઉપરાંત ભૂલકાઓ અભ્યાસ કરવા આવે છે, ત્યારે દેશનું ભાવિ ગણાતા અને પોતાનો પાયો મજબૂત કરવા આવતા ભૂલકાઓને છેલ્લા 5 દિવસથી સરકારી યોજના મુજબ નાસ્તો પણ નથી મળી રહ્યો.
સમગ્ર મામલાની જાણ થતાં જ પાલિકાના વિપક્ષી નેતા અમી રાવતે આ બાબતે નવા યાર્ડ વિસ્તારમાં આવેલા આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેમણે આક્ષેપ કર્યા હતા કે, તા 31મી એપ્રિલ પછી તેલનો પુરવઠો કોર્પોરેશને ખરીદી કરેલ નહીં હોવાથી છેલ્લા 5 દિવસથી બાળકો ભૂખ્યા છે. આવી ગંભીર બાબતમાં મ્યુનિસિપલ કમિશનરની નિષ્કાળજી છતી થતી હોવાના આક્ષેપો સાથે મેયરને આ બાબતે ધ્યાન દોરી તાત્કાલિક પગલાં ભરવા માંગણી કરી હતી. જોકે, પાલિકાના વિપક્ષી નેતાની મુલાકાત બાદ સત્તાધીશો દ્વારા તાબડતોબ આંગણવાડીના બાળકો માટે ભોજનની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી.