ડભોઇ તાલુકાના સીમળીયા ગામ નજીકની ઘટના
મિત્રો સાથે ચા-નાસ્તો કરી પરત ફરતા અકસ્માત
કાર પલટી જતાં 7 મિત્રોમાંથી 2 મિત્રોના મોત થયા
ઇજાગ્રસ્ત 5 લોકોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા
ગોઝારા અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના સીમળીયા ગામ નજીક ચા-નાસ્તો કરી પરત ફરતા મિત્રોની કારને અકસ્માત નડ્યો હતો. જેમાં કાર પલટી જતાં 7 મિત્રોમાંથી 2 મિત્રોના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતા, જ્યારે ઇજાગ્રસ્ત 5 લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના સીમળીયા ગામ નજીક ગત રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં સંખેડા નજીક બહાદરપુરમાં રાત્રે ફટાકડા ફોડીને ડભોઇ ચા-નાસ્તો કરવા ગયેલા 7 મિત્રો પરત બહાદરપુર જતા હતા, ત્યારે ચાલકનો સ્ટિયરિંગ પર કાબૂ ન રહેતા તેમની કાર ઝાડ અને થાંભલા સાથે અથડાય હતી. ત્યારબાદ રોડ નજીકની કાંસમાં કાર પલટી મારતા વડોદરા-વાઘોડિયા રોડના એક યુવાન તેમજ તેના મિત્ર મળી 2 યુવાનોના કરૃણ મોત નિપજ્યા હતાં, જ્યારે અન્ય 5 મિત્રોને નાની મોટી ઇજા થઇ હતી. જેમાં પાંચેય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માત એટલો ભયંકર હતો કે, કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. સમગ્ર બનાવને લઈ ડભોઇ પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ, દિવાળીની રાત્રે અકસ્માતમાં 2 પરિવારોના દીપ બુઝાતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે.





































