/connect-gujarat/media/post_banners/6a8d9b129434913f70c595e915f0662ed75ad86fcb355bcfb1ec7c016e86e78d.jpg)
ગુજરાત સરકારની મદદ નહીં મળતા હવે વડોદરા શહેરના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના સૌથી લાંબા બ્રિજને આર્થિક ગ્રહણ લાગી ચૂક્યું છે, ત્યારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને વડોદરા પાલિકા અને ભાજપ સંગઠનના હોદ્દેદારો રજૂઆત કરવા પહોચ્યા હતા, ત્યારે મુખ્યમંત્રીએ સ્પષ્ટ ના કહેતા આ બ્રિજ પાલિકાની જ જવાબદારી હોય તેવું વલણ સાથે વડોદરાના અગ્રણીઓમાં સોંપો પડી ગયો હતો.
વડોદરા શહેરના ગેંડા સર્કલ બ્રિજ માટે અત્યાર સુધી કોન્ટ્રાક્ટરને 110 કરોડ રૂપિયા ચૂકવાયા છે. આ રકમમાં પાલિકાએ 44 કરોડ અને સરકારે 76 કરોડની ચુકવણી કરી છે. જોકે, હવે આ બ્રિજની કામગીરી અધૂરી મૂકી દેવામાં આવી છે. કારણે કે, હવે બ્રિજના નિર્માણ કાર્ય માટે બાકીની રકમ પાલિકા નથી. આ મામલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને વડોદરા પાલિકા અને ભાજપ સંગઠનના હોદ્દેદારો રજૂઆત કરવા પહોચ્યા હતા. જેમાં બ્રિજના કામ માટે હજી 120 કરોડ રૂપિયાની જરૂર હોવાનો મુદ્દો ઉપસ્થિત કરવામાં આવ્યો હતો, ત્યારે મુખ્યમંત્રીએ એક તબક્કે સ્પષ્ટ જણાવી દીધું કે, એક શહેરને આટલી મોટી રકમ ન અપાય, અમે વિચારીશું. જોકે, એક પણ શબ્દ ચોર્યા વિના સ્પષ્ટ સંભળાવતાં ટીમ વડોદરામાં સોંપો પડી ગયો હતો.
આ બ્રિજની જાહેરાત વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણી અગાઉ કરાઈ હતી, ત્યારે તેનો ખર્ચ 222 કરોડ રૂપિયા નક્કી કરાયો હતો. જોકે, ત્યારબાદ પ્રોજેક્ટની કિંમત વધતા 288 કરોડ રૂપિયા થવા જાય છે. હજી બ્રિજનું 30 ટકા કામ બાકી છે અને સરકારે 76 કરોડ રૂપિયા જેટલી રકમ આપી છે, ત્યારે વડોદરાના અગ્રણીઓએ બેઠક દરમ્યાન મુખ્યમંત્રી સમક્ષ હાલ પૂરતાં 120 કરોડ રૂપિયાની માગ કરી હતી. પરંતુ મુખ્યમંત્રીએ સ્પષ્ટ ના કહેતા આ બ્રિજ પાલિકાની જ જવાબદારી હોય તેવું વલણ હાલ જોવા મળી રહ્યું છે. સરકારે બ્રિજની કામગીરી માટે જે રકમ ફાળવી છે, તે આ ગ્રાન્ટના ત્રીજા ભાગની પણ નથી. આ સ્થિતિમાં જો સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી પાલિકા રૂપિયા વાપરે તો વડોદરાના મૂળભૂત સુવિધાના કામોને અસર પડે તેવો ઘાટ સર્જાયો છે.