યુક્રેનની રાજધાની કિવમાં હેલિકોપ્ટર ક્રેશની ઘટના બની છે. આ અકસ્માતમાં યુક્રેનના મંત્રી સહિત 16 લોકોના મોતના થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મૃતકોમાં બે બાળકો પણ સામેલ છે. હેલિકોપ્ટર કિવની સીમમાં નાના બાળકો માટેની શાળામાં ક્રેશ થયું હતું. કિવના ઉત્તરપૂર્વમાં આવેલા નગર બ્રોવરીમાં આ ઘટના બની હતી. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ અને ઈમરજન્સી સર્વિસ સાથે જોડાયેલા લોકો ઘટના સ્થળે પહોંચી ગયા છે. આ હેલિકોપ્ટર દુર્ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બાળકોની શાળા દુર્ઘટના બાદ આગની જ્વાળાઓમાં ઘેરાયેલી જોવા મળી રહી છે.
અત્યાર સુધી અકસ્માતનું કારણ જાણી શકાયું નથી. યુક્રેનની નેશનલ પોલીસના વડા ઈગોર ક્લિમેન્કોએ જણાવ્યું છે કે અત્યાર સુધીમાં 16 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. મૃતકોમાં યુક્રેનના ગૃહ મંત્રાલયના ઘણા વરિષ્ઠ અધિકારીઓ અને ગૃહ પ્રધાન ડેનિસ મોનાસ્ટ્રીસ્કી અને તેમના નાયબ યેવજેની યેસેનિનનો સમાવેશ થાય છે. જણાવી દઈએ કે મોનાસ્ટ્રીસ્કી વર્ષ 2021માં જ યુક્રેનના ગૃહમંત્રી બન્યા હતા. આ અકસ્માતમાં બે બાળકો સહિત 22 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓનું કહેવું છે કે અકસ્માત સમયે પ્લે સ્કૂલમાં બાળકો અને શાળાનો સ્ટાફ હાજર હતો.