Connect Gujarat
દુનિયા

મ્યાનમાર: હેલિકોપ્ટરથી 20 મિનિટ સુધી ફાયરિંગ કરતાં સેનાના હવાઈ હુમલામાં 100ના મોત, આ અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો

હેલિકોપ્ટરમાંથી બોમ્બ છોડવામાં આવ્યા ત્યારે ઘણાં સ્કૂલના બાળકો એક હોલમાં ડાન્સ કરી રહ્યા હતા.

મ્યાનમાર: હેલિકોપ્ટરથી 20 મિનિટ સુધી ફાયરિંગ કરતાં સેનાના હવાઈ હુમલામાં 100ના મોત, આ અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો
X

મ્યાંમારની સેનાએ મંગળવારે જેટથી બોમ્બ ફેંક્યા અને ફાઇટર પ્લેનથી સતત 20 મિનિટ સુધી એર સ્ટ્રાઇક કરી. રિપોર્ટ અનુસાર હુમલામાં 100થી વધુ લોકોના મોત થયા છે. જેમાં મહિલાઓ અને બાળકો સામેલ છે. પાજીગી નગર સાગાઈંગ પ્રાંતમાં છે. તે રાજધાની નેપિડોથી 260 કિમી દૂર છે. સેનાએ હુમલો ત્યારે કર્યો જ્યારે પાજીગી શહેરમાં પીપલ્સ ડિફેન્સ ફોર્સિસ (PDF)ની ઓફિસ ખોલી રહ્યા હતા.

જોકે, PDF દેશમાં મિલિટ્રી વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે. હુમલાના સમયે 300થી વધારે લોકો ત્યાં હાજર હતાં. UNએ સેનાના હુમલાની નિંદા કરી છે. સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર ઉચ્ચાયુક્ત વોલ્કર તુર્કે કહ્યું કે હવાઈ હુમલાના અહેવાલો ચિંતાજનક છે. તેમણે કહ્યું કે હેલિકોપ્ટરમાંથી બોમ્બ છોડવામાં આવ્યા ત્યારે ઘણાં સ્કૂલના બાળકો એક હોલમાં ડાન્સ કરી રહ્યા હતા. આ હુમલો બે વર્ષ પહેલા થયેલા તખ્તાપલટ પછીનો સૌથી મોટો સૈન્ય હુમલો ગણાવવામાં આવી રહ્યો છે. હુમલા દરમિયાન ત્યાં રહેલા એક વ્યક્તિએ બીબીસીને જણાવ્યું કે સવારે 7 વાગ્યે એક આર્મી જેટ ગામમાં આવ્યું. તેણે બોમ્બ ફેંક્યો, ત્યારપછી કેટલાય હેલિકોપ્ટરથી ફાયરિંગ શરૂ થયું.

આ એર સ્ટ્રાઇક સતત 20 મિનિટ સુધી ચાલુ રહી. નજીકમાં રહેતા લોકોએ તેમના ઘણાં વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ વીડિયોમાં ચારેબાજુ મૃતદેહો દેખાય છે. ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર, તેઓએ મૃતદેહોની ગણતરી શરૂ કરી, પરંતુ તેઓ ગણતરી કરી શક્યા નહીં કારણ કે મૃતદેહોના ટુકડાઓ અલગ-અલગ જગ્યાએ ફેલાયેલા હતા.

Next Story