Connect Gujarat
Featured

કચ્છ : રાપરમાં વકીલની હત્યાના પડ્યા ઘેરા પ્રત્યાઘાત, ટાયરો સળગાવી લોકોએ રોષ ઠાલવ્યો

કચ્છ : રાપરમાં વકીલની હત્યાના પડ્યા ઘેરા પ્રત્યાઘાત, ટાયરો સળગાવી લોકોએ રોષ ઠાલવ્યો
X

કચ્છ જિલ્લાના રાપરમાં વકીલની હત્યાના મામલે રાજ્યભરમાં વિરોધનો સૂર ગાજી રહ્યો છે, ત્યારે લોકોએ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો. વકીલની સરાજાહેરમાં થયેલ હત્યાના CCTV ફૂટેજ સામે આવતા પોલીસે હત્યારાઓની શોધખોળ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર, કચ્છ જિલ્લાના રાપરમાં ઇન્ડિયન લોયર એસોસિએશનના અધ્યક્ષ વકીલ દેવજી મહેશ્વરીની એક યુવાને તીક્ષ્ણ હથિયારો વડે ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી હતી, ત્યારે વકીલ ઉપર થયેલ હુમલાની ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. સરાજાહેરમાં વકીલની હત્યા થતાં લોકોએ રસ્તા પર ટાયરો સળગાવી પોતાનો રોષ ઠાલવ્યો હતો. તો સાથે જ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને BSP દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

રાપરમાં થયેલ વકીલની હત્યાનો મામલો રાજ્યભરમાં ગાજી રહ્યો છે, ત્યારે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ સમગ્ર ઘટનાને વખોડી કાઢી છે. ઉપરાંત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ પણ હત્યારાઓને કડકમાં કડક સજા મળે તેવી માંગ કરી હતી. જોકે પોલીસના ઉચ્ચ અધિકારીઓને ઝડપી તપાસ માટે સૂચના આપવામાં આવી છે, ત્યારે સમગ્ર મામલે રાપર લુહાર સમાજની વાડીનો કેસ લડવાની બાબતે વકીલની હત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે ઘટના બાદ કચ્છ રેન્જના ચારેય જિલ્લાઓમાં ચુસ્ત નાકાબંધી ગોઠવી દીધી હતી. સમગ્ર ઘટનામાં પોલીસે 9 જેટલા આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુન્હો દાખલ કરી હત્યા કરનાર એક આરોપીના ફોટા પણ જાહેર કર્યા હતા. હાલ તો મૃતકના પરિવારજનોએ જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો સાફ ઇનકાર કર્યો છે, ત્યારે પોલીસે 4 જેટલી અલગ અલગ ટીમ બનાવી હત્યારાઓની શોધખોળ શરૂ કરી છે.

Next Story