/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/Untitled-1-copy-11.jpg)
આહવા-સાપુતારા માર્ગમાં ભેખડો અને વૃક્ષો પડતા વાહન ચાલકો અટવાયા
દક્ષિણ ગુજરાતમાં આજરોજ વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. ડાંગમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. આહવાથી ગલકુંડ-સાપુતારા જતા ઘાટ માર્ગમાં આહવા તળેટી પાસે ભેખડો અને વૃક્ષો પડતા વાહન ચાલકો અટવાયા છે. જ્યારે ડાંગના બનાસ કાતરી ગામ પાસે પૂર્ણા નદીમાં માછલી પકડવા જતાં જામુનપાડાનો યુવાન તણાયો હતો.
ડાંગ વહીવટી તંત્ર દ્વારા માર્ગ ઉપર પડી ગચેલા વૃક્ષોને જેસીબી દ્વારા હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ડાંગમાં ભારે વરસાદ પડવાના કારણે અંબિકા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી છે. નદીમાં પુરની સ્થિતિને લઈને અંબિકા નદીના કેચમેન્ટ વિસ્તારના ઘોઢવહળ, સુપદહાડ, સૂર્યાબરડા, કાચનપાડા, મોટાબરડાં, કુમારબંધ, બોરપાડા, દગુની જેવા ગામો સંપર્ક વિહોણા થયા છે. આ ઉપરાંત મહાલ, કડમાળ, હાડોલ, અને ઈસખંડી ગામના રસ્તાઓ વરસાદી પાણીમાં ધોવાયા છે.
અંબિકા નદીમાં આવેલા પૂરના કારણે ગીરા ધોધ પુરબહારમાં ખીલ્યો છે. ગીરા ધોધમાં પાણીની આવક વધતા ધોધ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વરસાદને પગલે સુબિર અને મહારાષ્ટ્રના નવાપુરને જોડતો મુખ્ય સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો છે. ડાંગમાં પડેલા વરસાદ બાદ ઠેર-ઠેર રસ્તામાં વૃક્ષો ધરાશાયી થયા છે. જેથી અનેક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.