/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/maxresdefault-42.jpg)
માર્ગો ઉપર પડેલા મસમોટા ખાડાને કારણે અનેક વખત અકસ્માતો સર્જાયા હોવાનો લોકોનો આક્ષેપ
ભરૂચનાં જંબુસર બાયપાસ વિસ્તારમાં વરસાદી માહોલને પગલે માર્ગ ઉપર મસમોટા ખાડા પડી ગયા છે. જેના કારણે અહીં અવાર નવાર અકસ્માતો સર્જાયા હોય છે. ત્યારે નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બનતા હોય રસ્તા ઉપર પડેલા મસમોટા ખાડાઓને વહેલી તકે સરખા કરવા સ્થાનિકોએ માંગ કરી છે. તંત્રનો વિરોધ કરવા આજરોજ આ વિસ્તારનાં લોકો બાયપાસ ખાતે એકત્ર થયા હતા અને તંત્ર વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
ભરૂચ-જંબુસરને જોડતા માર્ગ ઉપર બાયપાસ ખાતે રસ્તા ઉબડ ખાબડ બની ગયા છે. માર્ગ ઉપરથી ભારદારી વાહનો પણ પસાર થતા હોવાથી અનેક વાહનચાલકો આ ખાડાઓમાં અકસ્માતનો ભોગ બન્યા છે. ત્યારે હજુ કેટલાં લોકોનો ભોગ લેવાશે? તેવા સવાલો સાથે આજરોજ બાયપાસ વિસ્તારની સોસાયટીનાં રહિશો એકઠા થયા હતા. તેમણે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને કહ્યું હતું કે, આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં સ્કૂલો આવેલી છે. ત્યારે વાલીઓ અને સ્કૂલ વાન ચાલકો વિદ્યાર્થીઓને શાળાઓ મૂકવા જવા માટે જીવના જોખમે સાહસ કરી રહ્યા છે. અનેક વખત સર્જાયેલા અકસ્માતમાં નિર્દોષ લોકો ભોગ બની રહ્યા છે. ત્યારે સત્વરે આ ખાડા પુરી રસ્તો સરખો કરવામાં આવે. જિલ્લા કલેક્ટર દ્વારા આ કામગીરી ઉપર ધ્યાન આપી જે તે વિભાગને સત્વરે કામે લગાડવો જોઈએ તેવી માંગ કરી છે. અને જો વહેલી તકે કામગીરી કરવામાં નહીં આવે તો હલ્લાબોલ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.