/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/maxresdefault-21.jpg)
સમગ્ર સૌરાષ્ટ્રમાંથી આવતા લોકોને પડી રહેલી હાલાકીનો તાગ મેળવવા ધારાસભ્યોએ કરી મુલાકાત
રાજકોટએ સૌરાષ્ટ્રનું પાટનગર માનવામાં આવે છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાંથી હજારોની સંખ્યામાં દર્દીઓ રોજબરોજ સારવાર અર્થે આવતા હોય છે. ત્યારે દર્દીઓને યોગ્ય સારવાર મળે છે કે કેમ તે અંગે રાજકોટ વિધાનસભા 68 અને 70 ના ધારાસભ્યો દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું.
ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી અને ગોવિંદ પટેલ દ્વારા આજે રાજકોટ સિવિલ હોસ્પિટલની સરપ્રાઈઝ મુલાકાત લેવામાં આવી હતી. ધારાસભ્યોની સરપ્રાઈઝ ચેકીંગમાં હોસ્પિટલ ની ખામીઓ ઉડીને આંખે વળગી હતી. જે જોઈને ધારાસભ્યો ચોંકી ઉઠ્યા હતા.
રાજકોટ હોસ્પિટલમાં ડોકટરને આવવાનો સમય સવારે 9 વાગ્યાનો હોવા છતાં 10 વાગ્યા સુધી ડોકટર ફરજ પર હાજર ન હતા. જેને લઇને ધારાસભ્યો દ્વારા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને કાર્યવાહી કરવા જણાવ્યું હતું. સાથે જ હોસ્પિટલમાં દર્દીઓને લઇ જવા માટે સ્ટ્રેચરનો ઉપયોગ યોગ્ય ન થતો હોવાની પણ ફરિયાદ મળી હતી.
ફરજ પર રહેલા મેડિકલ ઓફિસરો યોગ્ય જવાબદારી નિભાવતા નહીં હોવાની ફરિયાદ મળતા ધારાસભ્યોએ 10 દિવસનો સમય આપી તમામ ખામીઓ દૂર કરી યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું. સાથે જ ફરી વખત કોઈ ખામી સામે આવશે તો આકરા પગલાં લેવાની પણ વાત કરી હતી.