૨૦૦ વર્ષ જુનો હેરિટેજ ચબુતરો તોડી પાર્કિંગ ઉભુ કરી દેવાયું
અમદાવાદને હેરિટેજ સીટીનો દરજ્જો મળ્યા બાદ કોટ વિસ્તારના કાલુપુર રિલિફ રોડ ઉપર આવેલી પાછીયાની પોળમાં ૨૦૦ વર્ષ જુનો હેરિટેજ ચબુતરો તોડી પાર્કિંગ ઉભુ કરી દેવાયું છે જ્યારે મૂળ જેટલી જગ્યામાં ચબુતરો હતો તેની જગ્યાએ એક નાની ચબુતરાની પ્રતિકૃતિ ઉભી કરાઈ છે. આ અંગે અમદાવાદ કોટ વિસ્તાર શ્રી ૬૩ સંઘ સમિતિએ મેયરને ફરિયાદ કરી છે પણ હેરિટેજ ચબુતરો તોડી પાડનારા વિરુદ્ધ કોઇ કાર્યવાહી કરાઈ નથી જેથી સ્થાનિકોમાં રોષની લાગણી છે.
અમદાવાદ કોટ વિસ્તાર શ્રી ૬૩ સંઘ સમિતિએ મેયર બિજલ પટેલને લેખિત ફરિયાદ મુજબ કાલુપુર વિસ્તારમાં પાછિયાની પોળમાં એક જૈન દેરાસર,બે ઉપાશ્રય, એક જ્ઞાન ભંડાર, એક ગુરુ મંદિર અને એક પરબડી આવેલી છે. પાદશાહની પોળની પરબડીનું સર્જન આશરે ૨૦૦ વર્ષ પહેલાં પાછીયાની પોળ જૈન પંચ (ટ્રસ્ટ) દ્વારા કરાયું હતુ.
જેનો જીર્ણોધ્ધાર આશરે ૪૦ વર્ષ પહેલાં શ્રી આદિશ્વર ભગવાન જૈન ટ્રસ્ટ દ્વારા કરાયો હતો. તે સમયે સંસ્થાએ ૩૫ હજારનું લોખંડ વાપર્યું હતુ. સમસ્ત મહાજન અને જિનાજ્ઞા યુવા ટ્રસ્ટે ત્રણ વર્ષ પહેલાં ૪૫,૦૦૦ ખર્ચ કરી જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. આ ચબુતરાની ઊંચાઇ આશરે ૨૦ ફુટની હતી. લંબાઇ અને પહોળાઇનું ક્ષેત્રફળ ૧૨x૧૨ ફુટની હતી. સમસ્ત મહાજન નામના ટ્રસ્ટે તા. ૨૩/૫/૨૦૧૪ના રોજ ‘અમદાવાદની પોળોના ચબુતરા’ નામની પુસ્તક પ્રસિદ્ધ કરી હતી.
જેમાં ૬૧ નંબરના પાના ઉપર પાદશાહની પોળનો ચબુતરો તેવો ઉલ્લેખ કરેલો છે અહીં દૈનિક ૫૦૦ ગ્રામ ચણ અને પાણીની વ્યવસ્થા હતી. ચબુતરામાં બે માળ હતા જેમાં એક માળના ભાગમાં સાત ફુટની ઊંચાઇની લોખંડની બારીવાળી અને તાળુ મારી શકાય તેવી ઓરડી હતી પણ તા.૧૭/૩/૨૦૧૮ના રોજ પોળના મોટાભાગના લોકોની ગેરહાજરીમાં આ ચબુતરાને તોડાયો હતો. સ્થાનિકોએ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.