અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારને નહિ મળે પાણી, જાણો કેમ

અંકલેશ્વર ઔદ્યોગિક મંડળની પાણી પુરવઠા સમિતિ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જે અનુસાર અંકલેશ્વર GIDC માં પાણી પૂરું પાડતી ઉકાઈ જમણા કાંઠાની નહેરનું સમારકામ ચાલતું હોવાથી તા.11 ડિસેમ્બર 2016 થી 60 દિવસ સુધી પાણી પૂરું પાડવામાં નહિ આવે.
આ સમસ્યાને પહોંચી વળવા માટે નોટીફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા ઝઘડિયા સ્કીમમાંથી પાણી લાવવા અંગેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.પરંતુ તેની ક્ષમતાને ધ્યાનમાં લેતા અંકલેશ્વરની ઔદ્યોગિક વસાહતની જરૂરિયાત કરતાં 40% થી 50% જેટલો ઓછો જથ્થો મળશે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં લેતા પાણી પુરવઠા દ્વારા હાલના સમયમાં અપાતા પાણીના પુરવઠામાં કાપ મુકવામાં આવ્યો છે જે અનુસાર હાઉસિંગ વિસ્તારમાં રોજ સવારે (6 થી 9 વાગ્યા સુધી) એમ 3 કલાક અને GIDC ના ફિલ્ટરેશન પ્લાન્ટ અને મિલન ટાંકી વિસ્તારમાં (સવારે 9 થી રાતના 9 વાગ્યા સુધી) એમ 12 કલાક પાણી આપવામાં આવશે.
આ સાથે વધુમાં જણાવવામાં આવ્યું હતું કે ઔદ્યોગિક એકમોએ પોતાના ખર્ચે શક્ય તેટલી સંગ્રહ ક્ષમતા વધારવી તથા જે ઉદ્યોગોને પોતાના ઓફિસિયલ બોરને રી-ઓપન કરાવવા હોય તો તે અંગેની અરજી નોટીફાઈડ એરિયા ઓથોરિટીને કરવાની રહેશે.