Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર ગડખોલ ફાટક ઉપર આગળથી સિગ્નલ ના મળતા ટ્રેનો થંભી,રોડ ઉપર લાગી વાહનની કતારો

અંકલેશ્વર ગડખોલ ફાટક ઉપર આગળથી સિગ્નલ ના મળતા ટ્રેનો થંભી,રોડ ઉપર લાગી વાહનની કતારો
X

આજરોજ સવારના સમયે અંકલેશ્વરની ગડખોલ ફાટક ઉપર ભરૂચથી અંકલેશ્વર તરફ જતી એક ગુડ્સ ટ્રેન લગભગ અડધો કલાકથી વધુ સમય સુધી થોભી ગઈ હતી. જેના કારણે આ ગુડ્સ ટ્રેનની પાછળ વધુ ત્રણ જેટલી ગુડ્સ ટ્રેન તેમજ મુસાફરોથી ખચોખચ ભરેલ સૌરાષ્ટ્ર એક્સ્પ્રેસ ટ્રેન પણ થોભી ગઈ હતી. અંકલેશ્વરથી ભરૂચ વચ્ચે આ તમામ ટ્રેન અડધો કી.મી.ના અંતરે કતારમાં જોવા મળી હતી. રેલ્વે ટ્રેક ઉપર ૪ થી ૫ જેટલી ટ્રેન થોભી જતાં અંકલેશ્વર ગડખોલ ફાટક ખાતે અવર જવર કરતાં રાહદારીઓ અટવાયા હતા. બળબળતા તાપમાં ગડખોલ ફાટક અડધો કલાકથી વધુ સમય સુધી બંધ રહેતા રેલ્વે પ્રતિ લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો.

પશ્ચિમ વિભાગ વડોદરા ડિવિઝનના પી.આર.ઓ.એ કનેકટ ગુજરાત સાથેની ટેલિફોનિક વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, હાલ ભરૂચ-અંકલેશ્વર વચ્ચે અપ લાઇન એટલે કે મુંબઈ તરફ જતી ટ્રેનના ટ્રેક ઉપર અગત્યના સમારકામ હાથ ધરવામાં આવ્યા છે. જેના પગલે રવિવાર સુધી દિવસમાં ૨ કલાકથી પણ વધુ સમય દરમિયાન ટ્રેન મોડી પડવાની સંભાવનાઓ રહેશે. રેલ્વેની ટેકનિકલ ભાષામાં વાત કરીએ તો સેફ્ટી તેમજ ટ્રેક મેંઇટેનન્સ વર્ક સાથે ડ્રેસિંગ વર્ક કે જેમાં આધુનિક મશીનની મદદથી ટ્રેક ઉપરના કોંક્રીટ ટેપિંગની કામગીરી કરવાની રહે છે. એક પ્રકારે આ કામગીરીને મેગા બ્લોક નહીં કહેવાશે. આ ફક્ત અગત્યના સમારકામ હેઠળ ચાલતી પ્રક્રિયા છે જે રેલ્વે વિભાગ દ્વારા અવાર નવાર કરવામાં આવતી હોય છે. હાલ લોકોને પડતી હાલાકી અંગે રેલ્વે વિભાગ દ્વારા સાથ સહકાર આપવાની અપેક્ષા સાથે અપીલ કરવામાં આવી છે.

Next Story