/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/Final-Logo-copy.jpgasd.jpg)
ડાંગના પ્રવેશદ્વાર એવા વઘઈના સીમાડે આવેલા તડકિયા હનુમાનજી જે અનેક લોકોની આસ્થાનું કેન્દ્રબિંદુ
અહીં હનુમાનજીની આસ્થાપૂર્વક પૂજા-અર્ચના કરે તો તેમનો ગુસ્સો કાળક્રમે શાંત થાય છે
વિશ્વભરમાં અજયઅમર એવા હનુમાનજીના અનેકો મંદિર આવેલા છે. વિશેષ કરીને આદિવાસી અને પ્રકૃતિપૂજક સમાજમાં ગામે ગામ અને ઘરેઘર હનુમાનજી પ્રત્યે અખૂટ આસ્થા અને શ્રદ્ધા જોવા મળે છે. આવી જ આદિજાતિ વસતિનું પ્રભુત્વ ધરાવતા અને પ્રકૃતિની ગોદમાં વસેલા ડાંગ જિલ્લામાં પણ હનુમાનજીના અનેક આસ્થાનાં સ્થાનકો આવેલા છે. જેમાં ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર એવા વઘઈના સીમાડે અંબિકા નદીના ધસમસતા પ્રવાહની વચ્ચે વર્ષોથી અડીખમ ઊભેલા બજરંબલીનું સ્થાનક એટલે નાની વઘઈ (કિલાદ)નું તડકીયા હનુમાનજીનું મંદિર.
લોકવાયકા મુજબ સોએક વર્ષો અગાઉ સ્થાનિક પ્રજાજનોની આસ્થાના પ્રતિકસમા રઘુનંદન હનુમાનજીની પ્રતિમા (પત્થર)ને ડાંગ જિલ્લામાં બળદગાડામાં લઈ જવાતો હતો. તે વખતે નદી પાર કરવા માટે કોઈ માર્ગ કે પૂલની સગવડ પણ ન હતી. નદીની વચ્ચેથી કેડીએ કેડીએ લોકોની અવર-જવર રહેતી. અંબિકાના નીર જ્યારે ચોમાસામાં ધસમસતા હોય ત્યારે આ માર્ગ મોટેભાગે બંધ જ રહેતો અથવા કહો કે નદી તરીને સામે પાર પહોંચવું પડતું. આવા સમયે અંબિકાના પ્રવાહમાંથી ગાડામાં લઇ જવાતા હનુમાનજીની પ્રતિમાનું વજન એકાએક વધી ગયું અને બળદગાડાની ઘૂસરી પણ તુટી ગઈ. પ્રતિમા લઇ જનારા ભક્તોનાં લાખ પ્રયત્નો છતાં પણ તેઓ આ મૂર્તિને નદી પાર લઈ જવામાં સફળ ન થયા અને જેવી હનુમાનજીની મરજી એમ સમજીને ત્યાં જ, અંબિકા નદીની વચ્ચે જ આ પ્રતિમાની વિધીવત સ્થાપના કરી.
ડાંગ જિલ્લાના ગુજરાત તરફથી પ્રવેશ દ્વાર એવા વઘઈના સીમાડે એટલે કે નાની વઘઈ (કિલાદ) ખાતે બિરાજમાન આ તડકિયા હનુમાનજી ભારે ગુસ્સાવાળા હોવાની પણ લોકવાયકા અહીં પ્રવર્તે છે. ગુસ્સાવાળી વ્યક્તિઓ અહીં હનુમાનજીની આસ્થાપૂર્વક પૂજા-અર્ચના કરે તો તેમનો ગુસ્સો કાળક્રમે શાંત થાય છે અને બહુ જ ઢીલી, શાંત વ્યક્તિ જો આ હનુમાનજીની આરાધના કરે તો ધીમે ધીમે તેઓમાં પણ શક્તિનો સંચાર થાય છે. આમ બહુ ઠંડા અને બહુ ગુસ્સાવાળા બધા જ લોકો માટે આ હનુમાનજી આસ્થાનું કેન્દ્રબિંદુ રહ્યા છે, અહીં દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.
તમે વાંસદા તરપથી ડાંગમાં પ્રવેશો અને વાંસદા નેશનલ પાર્ક (કિલાદ) ના આંગણેથી નિકળો અને અંબિકા નદીના બ્રિજ ઉપરથી જમણે હાથે નીચે જુના ભાંગેલા પૂલની બાજુમાં જે ગેરૂઆ રંગનો પત્થર દેખાય છે તે જ આ તડકિયા હનુમાનજીનું સ્થાનક છે. ચોમાસામાં આ હનુમાનજીની ચારે તરફ અંબિકાનું નીર ફરી વળે છે. પ્રકૃતિનો આ નજારો પણ જોવા લાયક છે. અંબિકાના તીરે સ્થાનિક ભક્તજનો અને સેવાભાવી લોકોએ ચોતરો અને ભક્તજનો માટે ઉઠવા-બેસવાની વ્યવસ્થા પણ કરી છે, શેડ બાંધ્યો છે. પીવાના પાણીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે. અહીં બારે માસ અને ખાસ કરીને શનિવાર અને મંગળવારે ભક્તોની તથા બાધા-માનતા રાખવા આવતા લોકોની ભારે ભીડ જામે છે. લગ્નપ્રસંગે જેવા શુભ અવસરે અહીંથી પસાર થતા લોકો ચોક્કસ જ અહીં બે ઘડી વિસામો લઇને, બજરંગબલીના આશિર્વાદ લેતા હોય છે, તો રોજીંદા અવર-જવર કરતા લોકો અને વાહનચાલકો પણ તેમને કોઈ વિઘ્ન ન નડે તે માટે આ ભીડભંજનને હોર્ન મારીને, તેમની હાજરી પુરાવતા હોય છે.સ્થાનિક સેવાભાવી યુવકો દ્વારા અહીં રામનવમીથી લઈને હનુમાન જયંતી જેવા અવસરે વિશેષ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાય છે.
આ વર્ષે પણ 19મી એપ્રિલે અહીં શાસ્ત્રોક્ત પૂજાવિધી સાથે મહાપ્રસાદી અને રાત્રે લોક-ડાયરાનું ભવ્ય આયોજન કરાયું છે. સ્થાનિક યુવકો સર્વશ્રી મહેશ ભોયે, દિનેશ ભોયે, શૈલેષ પટેલ, વિમલ મેંગા, આશિફ બાવજીર, સુરેશ ગામીત ગૌરાંગ ગામીત જિજ્ઞેશ બારીયા રમેશ પાડવી સહિતના યુવાનો દર વર્ષે ગાંઠના પૈસે અહીં ઉત્સવો ઉજવતા રહે છે. આહવાની બેંક ઓફ બરોડાના ભૂતપૂર્વ મેનેજર કે.આર. ભોયેએ તેમના સહ યોગીઓના સથવારે અહીં ભક્તજનો માટે શેડ બનાવ્યો છે, તો મહારાષ્ટ્રના હરકાઈ ચોંડથી દર શનિવારે કાશુ ભગત અહીં આવીને સેવાપૂજા કરે છે.
સપ્તાહના બાકી દિવસોએ સ્થાનિક યુવાન કમલેશ તામડી મંદિરની રખરખાવ કરતા હોય છે.આ મંદિરના આંગણેથી અંબિકા નદીના તીરે-તીરે આગળ વધો એટલે વન-વિભાગની ઇકો કેમ્પ સાઈડ (કિલાદ) આવે છે, જ્યાં પર્યાવરણ જાગૃતિ શિબિર માટે અનેક લોકો વર્ષભર આવતા હોય છે. બાજુમાં વાંસદા નેશનલ પાર્ક (કિલાદ) ખાતે વન્ય જીવોને નજીકથી જોવા, જાણવા અને અહીંની વનરાજીને માણવા વર્ષભર પ્રકૃતિ પ્રેમીઓ આવતા રહે છે. ડાંગમાં ધોધમાર વરસાદ વરસતો હોય, નદીઓ બે કાંઠે વહેતી હોય ત્યારે આ પ્રતિમા જળસમાધી લઈને પુનઃ ભક્તજનોને દર્શન આપવા માટે બહાર નીકળે છે. વનપ્રદેશમાંથી વહેતી અંબિકાના ધસમસતા પૂરમાં તણાઈને આવતી કાઢમીઢ શીલાઓ, વૃક્ષોના ડાળખાં અને લાકડાના પ્રહાર વચ્ચેપણ આ બાહુબલી બજરંગીની પ્રતિમા નખશીખ અખંડિત રહે છે. વચ્ચે એક વર્ષે ભારે પૂરને કારણે બાજુમાં આવેલો જુનો પુલ પણ ધ્વંશ થઇ ગયો હતો, પરંતુ આ હનુમાનજીની પ્રતિમા જરા પણ ખંડિત થઈ ન હતી.આ હનુમાનજીના મંદિરે ચોતરે બેઠાં-બેઠાં અંબિકાના શીતજળમાં પગ ઝબોળીને બેસી, બજરંગબલીની સંગાથે, પ્રકૃતિને મનભરીને નિરખવાનો અવસર ચુકવા જેવો નથી.