/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/dfgdfg-1.jpg)
રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. તેવામાં અમદાવાદ શહેરમાં પણ ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અનેક જગ્યાએ પાણી ભરાયાની સમસ્યાથી લોકોને હેરાન પરેશાન થવુ પડ્યું હતુ. ત્યારે શહેરમાં પણ વરસાદી પાણી સાથે અનેક ઝાડ ધરાશાયી થયા હતા. એવામાં મણિનગર ખાતે આવેલ જવાહર ચોક પાસે મોટું વૃક્ષ ધરાશાયી થતાં રિક્ષાચાલકનું મોત નિપજ્યુ હતું. અને બે બાઈક સવારને ઈજા પણ થઈ હતી.
એએમસીને અનેક વખત રજુઆત કરી હોવા છતાં કોઈ જ પ્રકારની કામગીરી નહી કરવામાં આવતા જેના પગલે એક ગરીબ વ્યક્તિનો જીવ ગયો હતો. છેલ્લા બે દિવસની વાત કરીએ તો શહેરમાં ૧૦૦ થી પણ વધુ વૃક્ષ ધરાશાયી થયા છે. ઘટના બાદ લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી. આ વૃક્ષ એટલું વિશાળ હતું કે તે પડતાંની સાથે જ રીક્ષા આખી વૃક્ષ નીચે કચડાઈ ગઈ હતી.
આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ઘટનાને પગલે પોલીસે મણિનગર જતો રસ્તો બંધ કરી દીધો હતો. ફાયર વિભાગની ટીમે પણ ઘટના સ્થળે પહોંચી ઝાડ નીચે દબાયેલાં ચાલકનાં મૃતદેહને રીક્ષામાંથી બહાર કાઢ્યો હતો.આ ઘટનામાં ઇજાગ્રસ્ત બે બાઈક સવારને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.