/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/Alpesh-Thakor-Jignesh-Mevani-Facebook-e1513600385285.jpg)
એક સમયે ગુજરાત રાજ્યમાં દારૂબંધીના કાયદા સહિત વિવિધ મુદ્દાઓનું કડક અમલ ન થતું હોવાથી ઠાકોર સેનાના માધ્યમ દ્વારા રાજનીતીના મેદાનમાં ઉતરેલા અલ્પેશ ઠાકોર કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. કોગ્રેસ પક્ષથી તેમણે પોતાના રાજકીય જીવનની શરૂઆત કરી હતી. તેઓ રાધનપુર બેઠક ઉપર ધારાસભ્યના પદે બિરાજમાન છે. પરંતુ લોકસભાની ચૂંટણીના ખરા સમયે જ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પાર્ટી સાથે છેડો ફાડયો હતો. અત્યારે પક્ષપાતમાં તેઓને લઈને ઘણી બધી અટકળો પણ ચાલી રહી છે. પરંતુ હાલ અલ્પેશ ઠાકોરે પોતાના ભાજપમાં જોડાવાની કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરી નથી.
આવનાર તા. ૨૯-૩૦ જૂનના રોજ ઠાકોર સેનાના આગેવાનો સાથે એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવશે. બેઠક દરમિયાન અલ્પેશ ઠાકોરના ભાજપમાં જવા અંગે ખાસ ચર્ચા વિચારણા કર્યા બાદ જ નિર્ણય લેવામાં આવશે. તો બીજી તરફ ઠાકોર સેનાના સત્તાવાર સૂત્રો એવું પણ જણાવી રહ્યા છે કે, સંગઠનને મજબૂત કરવા માટે બેઠક બોલાવવામાં આવી રહી છે. રાજ્યસ્તરની બેઠક બાદ તાલુકા તથા ગ્રામ સમિતિની બેઠક યોજાવા જઇ રહી છે.
સૂત્રિય માહિતી અનુસાર અલ્પેશ ઠાકોરે ભાજપમાં જોડાવું કે નહિ તે માટે તા. ૨૯-૩૦ જૂનના રોજ સાથીદારો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણી પહેલાં અલ્પેશે કોંગ્રેસ સાથે છેડો ફાડવાની જાહેરાત કરી ત્યારથી ભાજપમાં જોડાવાની અટકળો વહેતી થઈ ગઈ હતી. લોકસભાની ચૂંટણી વખતે જ અલ્પેશ ઠાકોરની ભાજપમાં જોડાવાની ઘણી શક્યતાઓ હતી. પરંતુ ભાજપે ચૂંટણી સમયે અલ્પેશને લેવાનો સાફ ઈન્કાર કર્યો હતો, કારણ કે અલ્પેશ ઠાકોરના ભાષણના પગલે ગુજરાતમાં પરપ્રાંતીયો ઉપર હિંસા ફાટી નીકળી હતી, રાજ્ય બહાર અલ્પેશ ઠાકોર સામે ઘણો વિરોધ વંટોળ હતો. આ સંજોગોમાં ભાજપે ચૂંટણીમાં નુકશાન ન થાય તે બાબતનું ખાસ ધ્યાન રાખી અલ્પેશ ઠાકોરને ભાજપમાં એન્ટ્રી ન આપી હતી.
ઉપરાંત ભાજપ પક્ષ કોઈને પણ આવકારવા માટે તૈયાર હોવાનું કહી ચૂકી હોવાથી અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઇ શકે તો નવાઈ નહીં. કારણ કે, કોંગ્રેસમાંથી છૂટ્ટા પડેલા ધારાસભ્યોની પહેલી પસંદ ભાજપ હોય છે. પણ હવે અલ્પેશ ઠાકોર સમાજ સાથે રહીને સામાજીક કાર્યકર તરીકેની કામગીરી કરશે અથવા તો ભાજપમાં જોડાય છે તે આગામી સમયમાં જ જોવું રહ્યું.