ગાંધીધામ : કાપડના વેપારીના ઘરે અજાણ્યા યુવાનોનું ચાર રાઉન્ડ ફાયરીંગ

કચ્છના ગાંધીધામમાં આવેલી શકિતનગર સોસાયટીમાં રહેતાં કાપડના વેપારીના ઘરે બાઇક પર આવેલાં બે યુવાનોએ ચાર રાઉન્ડ ફાયરીંગ કરતાં ચકચાર મચી છે. સદનસીબે આ ઘટનામાં કોઇને ઇજા પહોંચી ન હતી.
કંડલા સેઝમાં અનિતા એક્સપોર્ટ નામની પેઢીથી યુઝ્ડ ક્લોથનો વેપાર કરતાં 44 વર્ષિય જૂનૈદ યાકુબ નાથાણી (મેમણ) શક્તિનગરમાં મકાન ધરાવે છે. મકાનની નીચેના ભાગે તેમની ઓફિસ આવેલી છે જયારે ઉપરના માળે તેઓ પરિવાર સાથે રહે છે. ગત રાત્રે તેઓ તેમના મકાનમાં હતાં તે સમયે ફટાકડા ફુટતાં હોય તેવો અવાજ આવ્યો હતો. જોતજોતામાં તેમની ઓફિસમાં હાજર રહેલાં કર્મચારીઓ દોડી આવ્યાં હતાં અને ઓફિસમાં ગોળીબાર થયો હોવાની જાણ કરી હતી. બાઇક પર બે યુવાનો આવ્યાં હતાં જે પૈકી એક બાઇક પર બેસી રહયો હતો અને બીજાએ નીચે ઉતરી ગોળીબાર કર્યો હતો. કારતુસ બારીનો કાચ તોડી રૂમની દિવાલ સાથે અથડાઈ હતી. સદભાગ્યે કોઈને ઈજા થઈ ન હતી. ઘટના બાદ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તપાસ કરતાં બે ફૂટેલી કારતૂસ અને એક જીવતો કારતૂસ મળ્યા હતા.આરોપીઓ ગાયત્રી મંદિર તરફના રસ્તે ભાગી છુટયાં હતાં. ધંધાકીય અદાવતમાં ફાયરીંગ થયું હોવાની શકયતાઓ પોલીસ જોઇ રહી છે.