ગોંડલઃ શ્રમિક યુવાને દાખવી માનવતા, 3.50 લાખના દાગીના ભરેલું પર્સ કર્યું પરત

New Update
ગોંડલઃ શ્રમિક યુવાને દાખવી માનવતા, 3.50 લાખના દાગીના ભરેલું પર્સ કર્યું પરત

ગોંડલમાં યોજાયેલા સમૂહ લગ્નોત્સવમાં યુવાનને મળ્યું હતું કિંમતી સામાન ભરેલું પર્સ

ગોંડલના નવા માર્કેટિંગ યાર્ડ ખાતે બક્ષીપંચના સમાજ દ્વારા આયોજિત સમૂહલગ્નોત્સવમાં હજારો માણસોની ભીડ જામી હતી. જેમાં એક મહિલાનું રૂપિયા 3.50 લાખના સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને બેન્ક એટીએમ સાથેનું પર્સ ગુમ થયું હતું. જેના પગલે મહિલા મુંઝવણમાં મુકાયી હતી. મુખ્ય સ્ટેજ ઉપર પર્સ ગુમ થયા અંગે જણાવતા સંચાલકો દ્વારા પર્સ ગુમ થયા અંગેની જાહેરાત કરવામાં આવી હતી. દરમ્યાન ગોંડલના ભગવતપરામાં રહેતા 20 વર્ષીય યુવાન રણછોડ રમેશભાઈ ગોહેલ કોળી સ્ટેજ પર આવી પોતાને મળેલ પર્સ મહિલાને પરત કર્યું હતું. સાથે જણાવ્યું કે દાગીના અને રોકડ રકમ બરોબર છે કે કેમ તે ચેક કરી લેશો.

મહિલા દ્વારા તેને રોકડા પુરસ્કારરૂપે રૂપિયા અગિયારસો એનાયત કરાયા હતા. યુવાને આ રોકડા રૂપિયા અગિયારસોનો પુરસ્કાર સ્વીકાર કરી આ રકમ બાળકોની સેવા સમિતિને સ્થળ પર જ એનાયત કરી હતી.મૂઠી ઉંચેરા માનવીની દિલેરી જોઈ બક્ષીપંચ સમાજ દ્વારા યુવાનને હારતોરા પહેરાવી સન્માનિત કરવામાં આવ્યો હતો. મજુરી કરવી છે પણ હકનું જ જોઈએ છે.

સમૂહ લગ્નના સ્ટેજ પર રૂપિયા સાડા ત્રણ લાખની કિંમતના દાગીના અને રોકડ રકમ ભરેલું પર પરત કરવા આવેલ યુવાન રણછોડ ગોહેલ ગોંડલ માર્કેટિંગ યાર્ડ માં મજૂરી કામ કરે છે અને તેના પિતા રમેશભાઈ ગોંડલ નગરપાલિકાના માલવીયા સોસાયટીમાં આવેલ પાલિકા માં ફરજ બજાવી રહ્યા છે મૂઠી ઊંચેરા માનવી ની આવી દિલેરી જોઈ સમુહ લગ્નમાં હાજર જનમેદની અવાચક બની જવા પામી હતી.