ઇન્ડોનેશિયા,નેપાલ, બાગ્લાદેશ, ચીન, યુ.એ.ઈ. સહિત ૮ દેશોના ૯૬ રમતવીરો લઈ રહ્યા છે ભાગ

વડોદરા શહેરના સમા સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે છઠ્ઠી એશિયન સ્કૂલ ટેબલ ટેનિશ ચેમ્પિયનશીપ્સ-૨૦૧૯ને કેન્દ્રીય રમત ગમત મંત્રી કિરેન રીજુજીએ ખૂલ્લી મૂકી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, ભારતમાં રમત ગમત ક્ષેત્રમાં ખૂબ સંભવાનાઓ રહેલી છે. ખાસ કરીને ખેલાડીના નાની ઉંમરમાં જ ખેલ ભાવના જાગૃત કરવામાં આવે અને તેની પ્રતિભાને ઓળખ કરવામાં આવે તો તેની પ્રતિભાને રાષ્ટ્રીય – આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસવાની વધુ તક મળે છે. આ એશિયન સ્કૂલ ટેબલ ટેનિશ ચેમ્પિયનશીપ્સ ખેલાડીઓને કારર્કિદી ઘડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. સાથે જ તેમણે ખેલાડીઓને પૂરતી સુવિધા આપવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

વધુમાં રિજુજીએ કહ્યું કે, દેશના ખેલાડીઓ પૂરી ઈજ્જત-સન્માન મળવી જોઇએ જેને ભારતના ત્રિરંગાની શાન વધારી છે. તેવા ખેલાડીઓને આપણે ભટકતા ન જોઇ શકીએ. દેશના પૂર્વ ખેલાડીઓ ખેગ જગતને વધુ ઉચ્ચાઇએ લઈ જવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે. આ માટે એક નવી ખેલ  નીતિ બનાવવા જઈ રહ્યા છે. તે માટે અમે રાજ્ય સરકારો અને કોર્પોરેટ ક્ષેત્ર સાથે ચર્ચા કરી રહ્યા છીએ. ખેલને માત્ર રમત પૂરતી સમિત રાખીને નહિ પરંતુ જીવનધારામાં સમાહિત કરવાના અમારા પ્રયાસ છે. રિજુજીએ પારંપારિક ખેલ ઉપર ભાર મૂકતા કહ્યુ કે, ભારતમાં ઘણી પારંપારિક રમતો  છે તેને પણ કેન્દ્ર સરકાર પ્રોત્સાહન આપી રહી છે. સાથે જ આપણે ઓલમ્પિક, એશિયન ગેમ્સને પારંપારિક રમતનો પણ સમાન દ્રષ્ટિએ જોવી જોઈએ.

મહત્વનુ છે કે, આ ચેમ્પિયનશીપ્સમાં ઇન્ડોનેશિયા, નેપાલ, બાગ્લાદેશ, ચીન, યુ.એ.ઈ. સહિત ૮ દેશના ૯૬ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. સાથે જ કેન્દ્રિય મંત્રી રિજુજી અને પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓએ ટેબલ ટેનિશ પર પ્રતિકાત્મક રીતે હાથ અજમાવ્યો હતો.

રિજુજી સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળતા અને ગુજરાતની સંસ્કૃતિ પર મોહિત થતા કહ્યું કે, ગુજરાતની સંસ્કૃતિ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. સાથે જ તેમણે ૮ દેશમાંથી આવેલા રમતવીરોને ખેલની સાથે ગુજરાત અને ભારતને નિહાળવાનો અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે ઉમેર્યું કે, વડોદરા શહેર રમત જગતનું કેન્દ્ર રહ્યું છે. આજથી નહિં પણ આઝાદી પહેલાં પણ ઘણાં ખેલાડીનું ઘણું મહત્વનુ પ્રદાન રહ્યું છે.

આ પ્રસંગે રાજ્યના રમત ગમત, યુવા અને સાસ્કૃતિક બાબતોના મંત્રી ઇશ્વરસિંહ પટેલ જણાવ્યું કે, ખેલ-કૂદ આપણા જીવનનો અભિન્ન હિસ્સો છે. ખેલ વગર જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે. રાજ્ય સરકારે ખેલ-ખેલાડીઓને પ્રાત્સાહન આપવા અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. તેના સારા પરિણામો પણ પ્રાપ્ત થયા છે. રાજ્યના મુરલી ગાવિત, સરિતા ગાયકવાડ, માનવ ઠક્કર, અંકિતા રૈના સહિતના ખેલાડીઓએ રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય કક્ષાએ આપણને ગૌરવ બક્ષ્યું છે. સાથે જ તેમણે તમામ રમતવીરોને શુભકામના પાઠવી હતી.

આ પ્રસંગે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના અધ્યક્ષ વિપુલ મિત્રાએ કહ્યું કે, ક્રિકેટ સિવાયની રમતોને પ્રોત્સાહન આપવાની જરૂર છે. કોર્પોરેટ સેક્ટર અને મીડિયા તેઓને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે તેમ છે.

વડોદરા ટેબલ ટેનિસ એસોસિયેશનના અધ્યક્ષ અને પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર મંચસ્થ મહાનુભાવો અને ૮ દેશોમાંથી આવેલી રમતવીરોનુ શાબ્દિક સ્વાગત કર્યું હતું. ઉપરાંત આ રમતોત્સવના સહ આયોજક યુટીટી એટલે કે અલ્ટીમેટ ટેબલ ટેનિશના ચેયરપર્સન વીટા દાની અને ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ પ્રાસંગિક ઉદ્બબોધન કર્યું હતું. આ પ્રસંગે મંચસ્થ મહાનુભવોને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં હતાં. જેમાં પદ્મશ્રી સતપાલજી, પ્રસિદ્ધ હોકી ખેલાડી ધનરાજ પીલ્લઇનો સમાવેશ થાય છે.

આ પ્રંસંગે સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડી. જી.  સંદિપ પ્રધાન, કલેક્ટર શાલિની અગ્રવાલ, પોલિસ કમિશનર  અનુપમસિંહ ગેહલોત સહિતના મહાનુભવો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here