રાજપીપલા ટાઉનહોલ ગાર્ડન,લાછરસ, કેવડીયા અને તિલકવાડા ખાતે યોજાયેલા કાર્યક્રમનો બહોળી સંખ્યામાં ગ્રામજનો-પ્રજાજનોએ લાભ લઇ અચૂક મતદાનનો કરેલો સંકલ્પ
દેડીયાપાડા અને સાગબારા તાલુકામાં પણ“જાગો મતદાર જાગો” અભિયાન
પ્રચારલક્ષી કાર્યક્રમોનું જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા આયોજન
ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણીઓ-૨૦૧૯ ના જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ મુજબ તા.૨૩/૪/૨૦૧૯ ના રોજ મતદાન યોજાનાર છે. નર્મદા જિલ્લાનાં તમામ મતદારો આ મતદાનમાં ભાગ લઇ જિલ્લાનું મતદાન મહત્તમ નોંધાય તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા હાથ ધરાયેલા સ્વીપ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી આઇ.કે. પટેલનાં માર્ગદર્શન અને રાહબરી હેઠળ જિલ્લાના મતદારોમાં ઇવીએમ / વીવીપેટની જાણકારી સાથે મહત્તમ મતદાન થાય તે માટે નાટ્યકૃતિની સાથે મતદાર જાગૃત્તિ માટે “જાગો મતદાર જાગો” અભિયાનનો ગઇકાલે રાજપીપલા ખાતેથી પ્રારંભ થયો છે. ગઇકાલે લાછરસ ગામે પણ આ મતદાર જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો.
ગઇકાલે સાંજે સરદાર ટાઉન હોલ પાસેનાં ગાર્ડન ખાતે રાજપીપલા નગરપાલિકાનાં ચીફ ઓફિસર અમિત પંડ્યા તેમજ અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં અમદાવાની એઇડ્સ જન એવમ્ વિકલાંગ સેવા સંસ્થાનના સંચાલક રાજુભાઇ જોષીના નેજા હેઠળ કલાકારોના કલાવૃંદ તરફથી અને ચૂંટણીતંત્રના માધ્યમથી મતદાર જાગૃત્તિ અંગે “જાગો મતદાર જાગો” ની નાટ્યકૃતિ રજૂ થઇ હતી, જેમાં ઇવીએમ / વીવીપેટની કાર્યપધ્ધતિ અંગેની જાણકારી અને વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું અને આ નાટકનાં માધ્યમથી મતદાતાઓને તેમના મતાધિકારની અગત્યતા અંગે તેમજ લોકશાહી સાશન પ્રણાલીમાં મતદારનાં મૂલ્યની સમજ કેળવવાની સાથોસાથ પ્રત્યેક મતદારે અવશ્ય મતદાન કરવું જોઇએ તેવો સંદેશો અપાયો હતો.
જાગો મતદાર જાગોનો મતદાર જાગૃત્તિલક્ષી કાર્યક્રમના બીજે દિવસે આજે ગરૂડેશ્વર તાલુકાનાં કેવડીયા કોલોની મુકામે રામચોક ખાતે તેમજ બપોર બાદ તિલકવાડા તાલુકા મથકે તાલુકા મામલતદાર કચેરીનાં પ્રાંગણમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મામલતદાર એમ.આર. ચૌધરી અને મામલતદાર કચેરીનાં સ્ટાફ ઉપરાંત જે તે ગામનાં ગ્રામજનો, નગરજનો, પ્રજાજનો વગેરેએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને ઉક્ત કાર્યક્રમ નિહાળ્યો હતો અને ઉપસ્થિત સૌએ અચૂક મતદાન માટેનો સંકલ્પ કર્યો હતો.
તા.૪ થી એપ્રિલે દેડીયાપાડા અને તા.૫ મી એપ્રિલે સાગબારા તાલુકામાં પણ “જાગો મતદાર જાગો” નાં કાર્યક્રમોનાં આયોજન થકી મતદાર જાગૃત્તિ માટેનાં ઘનિષ્ઠ કાર્યક્રમોનું સુચારૂ આયોજન જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ઘડી કઢાયું છે, જેનો ગ્રામજનો-પ્રજાજનોએ બહોળી સંખ્યામાં લાભ લેવા જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી અપીલ કરાઇ છે.