જૂનાગઢ : જીવતા સાપ હાથમાં લઈને ગરબા રમવાનું પડ્યું ભારે, જાણો કેમ..?

0

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ગામે નવરાત્રિ દરમ્યાન આઠમા નોરતે “મોગલ છેડતા કાળો નાગ”  ગરબા પર 3 બાળાઓએ હાથમાં જીવતા સાપ લઈ ગરબે ઝૂમતા એક સમયે લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. પરંતુ સમગ્ર બનાવના પગલે આરએફઓ જે. એસ. ભેડાએ ફરીયાદી બની વન્ય પ્રાણી અધિનિયમ હેઠળ 3 બાળા સહિત 5 સામે ગુનો નોંધ્યો હતો.

જૂનાગઢના શીલ ગામે શીતળા ચોકમાં નવરાત્રિ ગરબાના આયોજક નિલેશ જોષીએ ગરબીનું આયોજન કર્યું હતું. સ્નેક કેચર જુમા જમાલ સાતીએ “મોગલ છેડતા કાળો નાગ” ગરબા પર બાળાઓને ભારતીય કોબ્રા, રૂપસુંદરી સાપ અને આંધણી ચાકળ સાપને હાથમાં પકડતાં શીખડાવી ગરબે ઝૂમાવ્યા હતા. બાળાઓએ હાથમાં જીવતા સાપ લઈ ગરબે ઝૂમતા એક સમયે લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ત્યારે હાથમાં સાપ લઈને ગરબા ઝૂમતી બાળાઓનો વિડીયો સોસિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થયો હતો. ગરબામાં સાપ પકડીને ઉભેલી 3 બાળાઓ સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ના કાડા મુજબ કાયદેસરની કાર્યવાહી કરી કુલ 5 સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, ઝેરી સર્પ કરડે નહીં તે માટે તેના બે દાંત તોડી નાંખવામાં આવ્યા હોવાનું વન વિભાગની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. વનવિભાગ દ્વારા ફરિયાદના આધારે આયોજક અને સ્નેક કેચરને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે બન્નેને જામીન પર મુક્ત કર્યા હતા. જ્યારે 1 બાળાને જુવેનાઇલ કોર્ટમાં મોકલવામાં આવી છે અને 2 બાળાઓને દંડ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here