દમણ : સતત ચોથા દિવસે પણ દમણ બંધ, અસરગ્રસ્તોનું જેલ ભરો આંદોલન

દમણમાં ગરીબોના ઘર તોડી પાડ્યા બાદસતત 4 દિવસથી દમણમાં તમામ વેપાર
ધંધા સ્વૈચ્છિક બંધ છે, ત્યારે લોકોએ જેલ ભરો આંદોલન કરી તંત્ર સામે રોષ વ્યકત કર્યો હતો. પોલીસે 20 જેટલા લોકોની ધરપકડ કરી
છે.
મોટી દમણના દરિયા કાંઠાથી જામપોર બીચ વિસ્તારમાં
ગેરકાયદેસર મકાનો બનાવી રહેતા ગરીબ લોકોને પ્રશાસને બેઘર બનાવી મૂક્યાં છે. જે બાદ
દમણમાં જનઆક્રોશ જોવા મળ્યો છે. છેલ્લા ચાર દિવસથી દમણની બજારો સજ્જડ બંધ છે, ત્યારે બુધવારે કેટલાક
આગેવાનોએ જેલભરો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. દમણના જલારામ મંદિર ખાતે મોટી
સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. જ્યાં દમણ પોલીસ અને વહીવટી તંત્રએ ચુસ્ત બંદોબસ્ત
સાથે પહોંચી જઈ તમામ લોકોને સમજાવટથી પરત મોકલ્યા હતા. જ્યારે જેલભરો આંદોલન હેઠળ
યુથ એક્શન ફોર્સના આગેવાન ઉમેશ પટેલે નાની દમણ પોલીસ મથકે પહોંચી જઇ સ્વૈચ્છિક
ધરપકડ વહોરી હતી. અન્ય પોલીસ મથકે પણ 20 જેટલા લોકોએ સ્વૈચ્છિક જેલભરો આંદોલન હેઠળ પોતાની ધરપકડ
વહોરી છે. જો કે હાલ સમગ્ર મામલે પોલીસ કે પ્રશાસને કઈ પણ કહેવાનું ટાળ્યું છે.
ત્યારે લોકોનો રોષ પણ ધીરેધીરે ઉગ્ર બની રહ્યો છે.
હાલ દમણમાં ચારેબાજુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં
આવ્યો છે. એક તરફ દમણ પ્રશાસન લોકોને ધંધા રોજગાર ખુલ્લા રાખવા અપીલ કરી રહ્યું
છે. તો બીજી તરફ પીડિતોના સમર્થકોને ડરાવવાની કોશિશ કરી રહ્યું છે. સતત 4 દિવસથી દમણ બંધ રહ્યું છે
જેની માઠી અસર પ્રવાસન ક્ષેત્રથી લઈને ઔદ્યોગિક વિસ્તારમાં પડી રહી છે.