ધરમપુરના અંતરિયાળ ચવરા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

New Update
ધરમપુરના અંતરિયાળ ચવરા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરના હસ્તે અરજદારોને યોજનાકીય લાભોનું વિતરણ

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ એવા ચવરા ગામે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકર, ધારાસભ્ય અરવિંદ પટેલના હસ્તે કાર્યક્રમ દરમિયાન લાભ મેળવનારા અરજદારોને યોજનાકીય લાભોનું વિતરણ કરાયું હતું.

આ અવસરે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા વિવિધ લાભો મેળવવા માટે તાલુકા કે જિલ્લા મથક સુધી જવું ન પડે તે માટે પ્રજાજનોની સુખાકારી માટે સેવાસેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેનો અનેક લોકોએ લાભ લીધો છે. સેવાસેતુ કાર્યક્રમમાં આવતા વિવિધ વિભાગોની અરજીઓનું નિરાકરણ જે તે દિવસે જ કરવામાં આવે છે, સેવાસેતુ કાર્યક્રમમાં મા અમૃતમ કાર્ડ, આયુષ્માન ભારત યોજના, જન્મ-મરણના દાખલો, રેશનકાર્ડમાં નામ સુધારો, નામ કમી કરવા, કુંવરબાઇનું મામેરું, વૃદ્ધ પેન્શન વગેરે અનેક યોજનાઓનો લાભ ઘર આંગણે મળે છે. કમોસમી વરસાદમાં ખેડૂતોને થયેલી નુકસાની સહાય મેળવવા માટે ૩૧મી ડિસેમ્બર સુધીમાં ફોર્મ ભરી દેવા તેમણે અનુરોધ કર્યો હતો. જંગલની જમીન ખેડતા ખેડૂતોની અરજી તેમજ શિરપડતર જમીન ખેડૂતના નામે કરવા માટેની કાર્યવાહી ટૂંક સમયમાં પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે.

ધરમપુર ધારાસભ્ય અરવિંદ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરી લોકોને રાજ્ય સરકારી વિવિધ પ્રકારની જરૂરિયાત મુજબની સેવા પૂરી પાડી રહી છે. શિક્ષણ સમિતિના અધ્યક્ષા નિર્મળાબેન જાદવે જણાવ્યું હતું કે, સેવાસેતુ કાર્યક્રમમાં સંવેદનશીલ ગુજરાત સરકારે પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે ઘરઆંગણે આવી યોજનાકીય લાભ આપે છે, જેનો દરેક લોકોને લાભ લેવો જાઇએ.

ધરમપુર માલતદારે પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ધરમપુર તાલુકાના ૬ ગામોના સેવાસેતુ કાર્યક્રમમાં બાર હજાર કરતાં વધુ અરજીઓનું નિરાકરણ કરાયું છે. આ અવસરે તાલુકા વિકાસ અધિકારી, અગ્રણી મહેશ ભટ્ટ, સી.ડી.પી.ઓ., ચવરા સરપંચ જાનુઇ, ગુંદીયા સરપંચ તુલસીરામ, અવલખંડી સરપંચ, તુતરખેડના ડે.સરપંચ દયારામ, સહિત ગ્રામજનો, અરજદારો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.