નર્મદા નદીમાં ગેરકાયદેસર રસ્તો દુર કરવા હાથ ધરાઇ કવાયત

New Update
નર્મદા નદીમાં ગેરકાયદેસર રસ્તો દુર કરવા હાથ ધરાઇ કવાયત
  • મામલતદાર સહિતની ટીમે સ્થળ મુલાકાત લઈ પંચકયાસ કર્યા
  • રિસોર્ટના સુપરવાઈઝરે રસ્તો દુર કરવાની કવાયત હાથધરી

ભરૂચમાં નર્મદા નદીમાં ગેરકાયદેસર રીતે રસ્તો બનાવવાના અહેવાલ પ્રસારિત થતા જ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. નર્મદા નદીના બેટમાં બનાવેલ રિસોર્ટમાં જવા માટે કોઇપણ પ્રકારની મંજૂરી લીધા વિના નદીમાં રસ્તો બનાવેલ હોવાના પગલે જિલ્લા કલેકટરના હુકમથી મામલતદાર સહિતની ટીમ સ્થળ ઉપર દોડી ગઈ હતી. જેમણે પંચકયાસ કરી રિસોર્ટના સુપરવાઈઝરને તાકીદ કરી રસ્તો દૂર કરવાનું જણાવતા સુપરવાઈઝરે રસ્તાને દૂર કરવાની તૈયારી બતાવી હતી. જેને આજે સવારથી અમલી બનાવી સસ્તો દુર કરવા કવાયત હાથ ધરવાની કામગીરી આરંભાઇ હતી.

નર્મદા નદીમાં પાણી ન છોડાતા તે હાલ સંકટનો સામનો કરી રહેલ છે. નારેશ્વરથી ઝાડેશ્વર સુધી મોટાપાયે માફિયાઓ રેતીનું ખનન કરી રહયા છે. અને રેતી વહન માટે તેમણે પાળા ઉભા કરી રસ્તા બનાવ્યા છે. ઝાડેશ્વર મનન આશ્રમની સામે નદીના બેટમાં સુરતના ઉદ્યોગપતિ અને બિલ્ડર એવા સવજી ધોળકિયાએ રીસોર્ટ બનાવ્યો છે. જ્યાં જવા માટે તેણે રીતસર નદીમાં રસ્તો બનાવ્યો હતો. જેની સામે નર્મદા બચાવવા માટે આંદોલન ચલાવતા અને ભરૂચના જાગૃત નાગરિકોએ અવાજ ઉઠાવ્યો હતો. જે અંગેના અહેવાલ મિડિયામાં પ્રસારિત થતા તંત્રમાં તેના ઘેરા પ્રત્યાઘાતો ઉભા થયા હતા. સફાળું જાગેલું તંત્ર આજરોજ સ્થળ ઉપર દોડી આવ્યું હતું. જિલ્લા કલેકટરના હુકમના પગલે મામલતદારે તેમની ટીમ સાથે દોડી જઈ નદીમાં બનાવેલ રસ્તાનો પંચકયાસ કર્યો હતો. તેમણે રિસોર્ટના સુપરવાઈજરને બોલાવી રસ્તો બનાવવા માટે કોઇ મંજૂરી લીધી હોવાની પૂછતાછ કરતા કોઇપણ પ્રકારની મંજૂરી લીધા વિના રસ્તાનું કામ થતું બહાર આવ્યું હતું. મામલતદારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા રિસોર્ટ સુપરવાઈઝરે રસ્તો દૂર કરવાની ખાતરી આપતા મામલતદાર સહિતની ટીમ માત્ર પંચકયાસ કરીને પરત થઈ હતી.જે બાદ રિસોર્ટ માલિક સવજી ધોળકીયાએ તંત્રની તાકીદના પગલે તત્કાલ અસરથી રિસોર્ટ સુપરવાઇઝરને સુચના આપતા ન્દીમાં બનાવાયેલ રસ્તો દુર કરવાની આજ સવારથી કાર્યવાહી આરંભાઇ હતી.

ઉલ્લેખનીય છે કે ગોલ્ડન બ્રીજને સમાંતર બની રહેલા નર્મદા મૈયા બ્રીજના કામકાજ દરમ્યાન બ્રીજ કન્સ્ટ્રકશન કોન્ટ્રાકટર કંપનીએ નદીમાં માટીપુરાણ કરી ગેરકાયદેસર રીતે રસ્તો બનાવ્યો હતો. જેની સામે પણ વિવાદ ઉભો થતા તંત્રએ ત્યાં દોડી જઈ આ રસ્તાને દૂર કરવા માટેની નોટિસો આપી હતી. આમ છતાં પણ રિસોર્ટના માલિકે મંજૂરી વિના જ રસ્તો બનાવવાની કવાયત કરી હતી. જેના કારણે પુનઃ વિવાદ ઉભો થયો હતો.