પંચમહાલ : ગોધરા ખાતે ઈન્ડેક્ષ્ટ-સી દ્વારા આયોજિત નવરાત્રિ હસ્તકલા મેળાનું ઉદ્ઘાટન કરતા કલેક્ટર અમિત અરોરા

પંચમહાલ જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ ઈન્ડસ્ટ્રીયલ એક્ષ્ટેન્શન કોટેજ એટલે કે ઈન્ડેક્ષ્ટ-સી દ્વારા ગોધરા ખાતે આયોજિત નવરાત્રિ હસ્તકલા મેળો ખુલ્લો મૂક્યો હતો. આ મેળો ગોધરાના એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે લાલ બાગ ટેકરી મેદાન ખાતે આજથી શરૂ થઈ તા.૧૧/૦૯/૨૦૧૯ સુધી ચાલુ રહેશે.
મેળાની મુલાકાત લેતા કલેકટરે જણાવ્યું હતું કે મેળામાં સામેલ કારીગરોનું સર્જન ઉચ્ચ કક્ષાનું છે અને ઈન્ડેક્ષ્ટ-સી એ અંતરિયાળ વિસ્તારના કારીગરો માટે એક્સપોઝરની એક સુંદર તક પૂરી પાડી છે. તેમણે લોકોને આ મેળાની મુલાકાત લઈ, કારીગરો પાસેથી સીધી ખરીદી કરી તેમને પ્રોત્સાહન આપવાનો અનુરોધ કર્યો હતો.
મેળામાં કચ્છ, સુરત, અમદાવાદ, વડોદરા, આણંદ, રાજકોટ અને પંચમહાલ સહિતના વિવિધ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારના હાથશાળ, હસ્તકલા, માટીકામ, ચર્મોદ્યોગ અને કુટિર ઉદ્યોગના ૬૦ થી વધુ કારીગરો દ્વારા પોતાની કૃતિઓનું પ્રદર્શન તેમજ વેચાણ કરવામાં આવશે. કારીગરો દ્વારા નિર્મિત હાથશાળ-હસ્તકલાની વિવિધ ચીજવસ્તુઓ, ભરત કામ, વાંસના રમકડા, પેચવર્ક, ઈમીટેશન જ્વેલરી, લેધર વર્ક, અકીકની આઈટમો, વૂડન વોલપીસ, ગૃહ ઉદ્યોગ, ચણિયા ચોળી, ફલાવર પોટ- માટીના ઘરેણા સહિતની માટીની બનાવટો પ્રદર્શન અને વેચાણ અર્થે મૂકાઈ છે.