Connect Gujarat
ગુજરાત

પરંપરાગત 'પાટણના પટોળા' હવે અમદાવાદનું ગૌરવ

પરંપરાગત પાટણના પટોળા હવે અમદાવાદનું ગૌરવ
X

આશરે 1000 વર્ષથી પણ વધારે પ્રાચીન અને પરંપરાગત ડિઝાઇન અને કાપડ માટે વિશ્વભરમાં વિખ્યાત 'પાટણના પટોળા' જેની છે, તેણે અમદાવાદની બજારમાં પ્રવેશ કર્યો છે. અમદાવાદમાં આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સિનિયર ગ્રુપ પ્રેસિડેન્ટ અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મનીષ શાહ અને અન્ય મહાનુભાવોની હાજરીમાં વિશ્વના સૌપ્રથમ 'Patola by Nirmal Salvi' શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

અત્યંત જટિલ વણાટ ધરાવતા પરંપરાગત પટોળા એક કલા છે, જેને પાટણમાં સાલ્વી પરિવાર દ્વારા સાચવવામાં આવી છે અને પરિવારની દરેક નવી પેઢીને સોંપવામાં આવે છે. હાલમાં, માત્ર ત્રણ જ પરિવાર પટોળા બનાવે છે. પાટણના પટોળામાં કાપડને એવી રીતે વણવામાં આવે છે કે કપડાંની બંને બાજુએ ડિઝાઇન અને દેખાવ એક જ સરખો રહે. પટોળાનું ઉત્પાદન ખૂબ સમય માંગી લેતી કળા છે અને એક પટોળા સાડીને બનાવવા માટે લગભગ ત્રણથી ચાર મહિના જેટલો સમય લાગે છે.

આજના ઉદઘાટન પ્રસંગે પટોળા ઓફ પાટણ પ્રા. લિ. ના ડિરેક્ટર નિર્મલ સાલ્વીએ કહ્યું હતું કે, "પાટણના પટોળાનો સૌપ્રથમ શોરૂમ અમદાવાદમાં ખોલવાનો નિર્ણય તેની લોકપ્રિયતા અને ભારે માંગને લીધે કર્યો છે. અમે અમદાવાદના લોકો માટે અસલી પટોળા ઉપલબ્ધ કરાવવા માંગીએ છીએ."

આ પ્રસંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ(RIL)ના સિનિયર ગ્રુપ પ્રેસિડેન્ટ અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ કહ્યું હતું કે, "આ પહેલીવાર છે કે પાટણથી બહાર પટોળા ઉપલબ્ધ થશે. ભારતમાં આ પરંપરાગત કળા ખૂબ પ્રખ્યાત છે અને હું ઈચ્છું કે તે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ખ્યાતિ પ્રાપ્ત કરે. સાલ્વી પરિવારે દિલ્હી, મુંબઈ, કોલકત્તા અને દેશના અન્ય શહેરોમાં પણ આવા વધુ શોરૂમ ખોલવા જોઈએ."

પાટણના પટોળાને જી.આઇ.(GI) ટેગ મળ્યો છે અને અનોખાં કાપડના ઉપયોગથી પટોળા બનાવવા માટે કુદરતી રંગોનો ઉપયોગ કરવામાં આવે છે. "સાડી તરીકે પટોળા પ્રખ્યાત હતાં જ પરંતુ હવે દુપટ્ટા, ટાઈ, જેકેટ્સ, પોકેટ સ્ક્વેર્સ અને ગિફ્ટિંગના અન્ય ઉત્પાદનોમાં પણ તેની માંગ વધી છે.", એમ નિર્મલ સાલ્વીએ જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ દેશના અન્ય શહેરોમાં પટોળા ઉપલબ્ધ બનાવવાની શક્યતાઓ ચકાસી રહ્યા છે.

અશોક સાલ્વી, વિરલ સાલ્વી, ઉજ્જવલ સાલ્વી અને એપ્રિલ પટેલના પ્રયાસો અને સહયોગને લીધે સ્ટેલાર, સિંધુ ભવન રોડ, અમદાવાદ ખાતે 'Patola by Nirmal Salvi'ના સૌપ્રથમ શોરૂમનો પ્રારંભ શક્ય બન્યો છે.

Next Story