ભારત ઉપરાંત વિશ્વભરમાં કિડનીના તબીબ તરીકે નામના પ્રાપ્ત કરનાર પદ્મશ્રી ડો. એચ.એલ.ત્રિવેદીનું ૨-જી ઓકટોબરના રોજ નિધન થતાં આગામી ૧૨ ઓકટોબરને શનિવારના રોજ ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાવિહાર ખાતે તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થનાનું આયોજન હાથ ધરાયું છે. ડો. એચ.એલ. ત્રિવેદી તેમની વ્યવસાયિક જિંદગીના શરૂઆતના વર્ષોમાં કેનેડામાં સ્થાયી થયા હતા. જ્યાં તેમણે ૧૪ વર્ષ સુધી તબીબ તરીકે સેવાઓ આપી હતી. કિડનીના ઓપરેશન માટે વિશ્વભરમાં ખ્યાતિ પ્રાપ્ત ડોકટર એચ.એલ. ત્રિવેદીએ કેનેડાની ધિકતી કમાણી છોડી સેવાનો ભેખ ધરી ભારત પરત આવ્યા હતા.

૧૯૮૬માં તેમણે કિડની ઈન્સ્ટીટ્યુટની સ્થાપના કરી હતી. કિડની ટ્રાન્સપ્લાન્ટમાં તેમણે કરેલ સંશોધન આશીર્વાદરૂપ સાબિત થયા છે. તેમણે અંદાજે ૫૦૦૦થી વધુ કિડની ટ્રાન્સપ્લાન્ટના સફળ ઓપરેશન કરી દર્દીઓને નવું જીવન આપ્યું છે. તેઓ હંમેશા કહેતા કે દર્દી એ મારે મન ઇશ્વરસમાન છે અને તેમની સારવાર એ જ ઈશ્વરન પૂજા છે. સેવાના ભેખધારી એવા ડોક્ટર એચ.એલ. ત્રિવેદીને ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા હતા. છેલ્લા કેટલાક સમયથી તેઓ પાર્કિસન્સ સાથે લિવર સહિત મગજના જ્ઞાનતંતુ સુકાઈ જવાની સમસ્યાથી ગ્રસ્ત હતા. જેમનું સારવાર દરમિયાન પોતાના જ ઈન્સ્ટીટ્યુટમાં નિધન થયું હતું. ડો. એચ.એલ. ત્રિવેદીના અવસાનથી તબીબી ક્ષેત્રે ન પુરાય એવી ખોટ ઉભી થઈ છે. સ્વ. ડો. એચ.એલ. ત્રિવેદીના આત્માની શાંતિ માટે ભરુચના ભોલાવ ખાતે આવેલી નારાયણ વિદ્યાવિહાર સ્કૂલ ખાતે આગામી ૧૨ ઓકટોબરના રોજ સવારે ૧૧ વાગ્યાથી પ્રાર્થના સભાનું અયોજન કરવામાં આવ્યું છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here