Connect Gujarat
ગુજરાત

ભરૂચમાં તા. ૩૧ મી ઓકટોબરે યોજાશે “રન ફોર યુનિટી-એકતા દોડ”

ભરૂચમાં તા. ૩૧ મી ઓકટોબરે યોજાશે “રન ફોર યુનિટી-એકતા દોડ”
X

સરદાર વલ્લ્ભભાઇ પટેલની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં સવારે ૭:૦૦ કલાકે સી.એમ.પાર્ટી પ્લોટ પાસેથી “રન ફોર યુનિટી-એકતા દોડ” નો કાર્યક્રમ યોજાશે, જેને પદાધિકારીઓ, અધિકારીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવાશે.

જિલ્લા કલેકટર ડૉ.એમ.ડી.મોડિયાએ ભરૂચ કલેકટર કચેરીના સભાખંડ ખાતે આગામી તા. ૩૧ મી ઓકટોબરે સરદાર વલ્લભભાઇ પટેલ જન્મ જયંતિ નિમિત્તે યોજાનારા “રન ફોર યુનિટી-એકતા દોડ” ના કાર્યક્રમનું સુચારૂ આયોજન ઘડી કાઢવા યોજાયેલી બેઠકને અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું કે, “રન ફોર યુનિટી-એકતા દોડ” ના કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો જોડાય તે પ્રકારનું આયોજન સુનિશ્ચિત કરવા અમલીકરણ અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણી અંતર્ગત યોજાનારા “રન ફોર યુનિટી-એકતા દોડ” ના આ કાર્યક્રમમાં શહેરની શાળાના વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓ વગેરે તેમાં જોડાશે. રાષ્ટ્રિય એકતા દિવસ તરીકેની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં યોજાનારા આ “રન ફોર યુનિટી-એકતા દોડ” માં ભાગ લેનારા લોકો બેનર્સ-પ્લેકાર્ડ અને સુત્રોચ્ચાર સાથેની એકતા દોડ સી.એમ.પાર્ટી પ્લોટ ખાતેથી પ્રસ્થાન થઇ સીવીલ હોસ્પિટલ, કલેક્ટર ઓફિસ, શક્તિનાથ, પાંચબત્તી થઈ સી.એમ.પાર્ટી પ્લોટ ખાતે પહોંચશે અને ત્યાં સમાપન થશે. આ પ્રસંગે રાષ્ટ્રિય એકતાના સામૂહિક શપથ પણ લેવડાવાશે. આ ઉપરાંત માર્ચપાસ્ટનો પણ કાર્યક્રમ યોજાશે.

ઉકત બેઠકમાં જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા, નિવાસી અધિક કલેકટર જે.ડી.પટેલ, પ્રાંત અધિકારીઓ, સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ સહિત સબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓએ ઉપસ્થિત રહીને ચર્ચા-વિચારણામાં ભાગ લીધો હતો.

Next Story