Connect Gujarat
ગુજરાત

ભરૂચ જિલ્લાવાસીઓ સાતમથી શરૂ થતા મેઘમેળો મહાલવા આતુર

ભરૂચ જિલ્લાવાસીઓ  સાતમથી શરૂ થતા મેઘમેળો મહાલવા આતુર
X

  • શ્રાવણ વદ સાતમથી દશમ સુધી ચાલનારા મેઘમેળામાં ભારતભરના લાખો શ્રદ્ધાળુ ઉમટશે.

દીન દુ:ખીઓના જીવનમાં આનંદના દિવસ તરીકે જો કોઇ મહત્વનો સમય હોય તો તે છે ઉત્સવ અને મેળો.દુનીયામાં ઠેરઠેર ઉજવાતા વિવિધ મેળાઓ પાછળ કોઇ ને કોઇ દંતકથા વણાયેલ હોય છે.જેના આધારે પ્રતિવર્ષ ઉત્સવો અને મેળા યોજાતા હોય છે.આવા ઉત્સવ અને મેળાઓમાં ભારતભરમાં પ્રચલિત એક એવો મેળો તે ભરૂચમાં યોજાતો મેઘમેળો છે.

મેઘમેળો એટલે વર્સાદના ઇષ્ટ એવા મેઘરાજાનો મેળો.આ મેળો ભરૂચ ખાતે વસતા ભોઇ સમાજ દ્વારા આશરે બસોથી પણ વધુ વર્ષથી યોજવામાં આવે છે. જૂન ભરૂચ સ્થીત મોટા ભોઇવાડ ખાતે અષાઢમાસની વદની ચૌદશની રાતે નર્મદા નદીની માટીમાંથી મેઘરાજાની પ્રતિમા વગર કોઇ બીબે હાથ વડે બનાવવામાં આવે છે.આ પ્રતિમા એક જ રાતમાં ભોઇ સમાજ દ્વારા તૈયાર કરાય છે અને આ પ્રતિમાને સમયાંતરે શ્ણગારી શ્રાવણ વદ દશમના દિવસે સાંજના સમયે નર્મદાના પવિત્ર જળમાં વિસર્જીત કરી આ મેઘિત્સવની પૂર્ણાહૂતિ કરવામાં આવે છે.આમ મેઘરાજાની પ્રતિમાને સતત ૨૫ દિવસ સુધી રાખવામાં આવે છે.

મેઘમેળા પાછળ લોકવાયકા એવી છે કે ભરૂચમાં વસતા યાદવ વંશની પેટાજ્ઞાતિના ભોઇસમાજના વશંજો તરફથી આજથી આશરે ૨૦૦થી પણ વધુ વર્ષ પહેલા મેઘરાજાની માટીમાંથી બનાવેલ મૂર્તિની પ્રથમ સ્થાપના કરવામાં આવી હતી.સ્થાપના પાછળનો ઇતિહાસ એવો છે કે છપ્પનિયા દુકાળ પહેલા એક દુકાળ પડયો હતો.એ એવો સુકો દુકાળ હતો કે તમામ જીવો પાણીની એક બુંદ માટે પણ તરફડી રહ્યા હતા.કહેવત છે ને કે "સુખે સાંભરે સોની,ને દુ:ખમાં સાંભરે રામ"દુકાળગ્રસ્ત વિરતારને બચાવવા વરસાદના દેવ કે જે ઇન્દ્રદેવ કે મેઘરાજા તરીકે પ્રચલિત છે જી વિનવવા ભોઇસમાજના વશંજો કે જે ભરૂચના ફૂરજા બંદરે વાહણોમાંથી માલસામાનની ફેરીનું કામ કરતા હતા અને ભરૂચના મોટોભોઇવાડ,નાનો ભોઈ વાડ અને લાલબજાર ખાતે મોટી સંખ્યામાં વસતા હતા.તેમણે મોટાભોઈવાડ ખાતે અષાઢ વદ ચૌદશની રાતે માટીની લગભગ સડાપાંચ ફૂટ ઉંચાઇની મેઘરાજાની કલ્પિત મૂર્તિ બનાવી અને તેમની સમક્ષ વરસાદ માટે ખૂબ ખૂબ વિનંતિઓ કરીભજન કિર્તનો પણ યોજયા પરંતુ બધું જ નિષ્ફળ ગયું.

આખી રાત ભાવિક ભકતોના ભજન અને ભક્તિની કોઇ અસર ન થવાથી ભોઇ સમાજના ભકતોએ નિરાશ બની મૂર્તિ સમક્ષ એવી ચીમકી ઉચ્ચારી કે "હે ઇંન્દ્રદેવ સવાર થતા સુધીમાં જો વરસાદ નહીં પડે તો અમે તલવારથી તારી મૂર્તિને ખંડીત કરી નાંખીશું"આ એક ધમકી ન હતી પરંતુ ભકતોની સાચા દિલથી લોકોના ભલા માટેની ભાવના હતી.અને અંતે આવા નિસ્વાર્થ ભકતોની ભક્તિથી મેઘરાજા રિઝાયા અને પરોઢિયે એવો તો ચમત્કાર થયો કે જોત જોતામાં વાતાવરણ બદલાયું,એકાએક વંટોળ આવ્યો.ઠંડાપવનની લહેરો આવવા લાગી અને જોતજોતામાં આકાશમાં ઘનઘોર વાદળો છવાયા,વીજળીના ચમકારા અને વાદળોના ગડગડાટ વચ્ચે મુશળધાર વરસાદ તુટી પડયો.

ધરતી ભીંજાતા તેમાંથી માટીની મહેક આવવા લાગી જેથી ભોઇ સમાજના ભકતોના ભજનોમાં નવો પ્રાણ પુરાયો.ભકતોની વ્હારે ભગવાન પધાર્યા એવું જાણી ભોઇ સામાજે વાતાવરન ભકતીથી એવું તો તરબોળ બનાવી દીધું કે વરસાદ સતત ચાલુ જ રહ્યો.બસ ત્યારથી આ ચમત્કારિક પ્રસંગની યાદમાં ભરૂચમાં વસતા ભોઇસમાજના લોકોએ દર વર્ષે મેઘરાજાની સ્થાપના કરવાનું નક્કી કર્યું.જે આજે પણ નિયમિત ચાલુ છે.

Next Story