માનવભક્ષી દિપડાઓને ઠાર મારવા પોલીસ વિભાગના શાર્પ શુટરોની લેવાશે મદદ

જૂનાગઢ અને અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં
અત્યારસુધીમાં 8 લોકો ઉપર હુમલો કરીને મોતને ઘાટ ઉતારનાર માનવભક્ષી દીપડાને પકડવા વન વિભાગની
મથામણ વચ્ચે જો દીપડો પકડાય નહીં તો તેને ગોળી મારીને ઠાર કરવાની મંજૂરી પણ રાજ્ય
સરકારે આપી છે.
જૂનાગઢ ના વિસાવદર અને બગસરા પંથકમાં હાહાકાર મચાવનાર
આદમખોર દીપડાને આખરે ઠાર મારવાનો નિર્ણય સરકારે કર્યો છે. આ પહેલા દીપડાને પકડવા 25 જેટલા પાંજરાં મૂકવામાં
આવ્યાં છે પરંતુ દીપડો હજી પાંજરે પુરાયો ન હોવાથી લોકોના માથે ભય ઝળુંબી રહયો છે.
ટુંકા સમયના ગાળામાં જ 8 જેટલા લોકોને મોતને ઘાટ ઉતારનાર આદમખોર દીપડાને કારણે ગ્રામજનો ઘરની બહાર
નીકળતા ગભરાઇ રહયાં છે. દીપડો વધુ લોકોને શિકાર બનાવે તે પહેલાં તેને ઠાર મારી
દેવામાં આવશે. રાજ્યમાં દીપડાની વધતી જતી સંખ્યા ચિંતાનો વિષય બન્યો છે. જંગલ
વિસ્તારના આસપાસના ગામોમાં દીપડા આતંક મચાવી રહ્યા છે. વન મંત્રી ગણપત વસાવાએ
કહ્યું કે જૂનાગઢ અને અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાના હુમલા થવાની
ફરિયાદો આવી હતી.મુખ્ય વન સંરક્ષક દુષ્યંત વસાવડાએ કહ્યું કે બુધવારે સવાર સુધીમાં
પાંચ દીપડા તો પકડી લેવાયા છે પરંતુ હજુ પણ એક થી વધુ આદમખોર દીપડા આસપાસમાં હોય
તેમ જણાય છે જેથી તેને પકડવાનું ઓપરેશન ચાલુ છે. દીપડો એ ચાલાક પ્રાણી હોવાથી
પાંજરામાં આસાનીથી આવતો નથી. છતાં વન વિભાગના અધિકારીઓ તેને પકડવાનો પૂરો પ્રયાસ
કરી રહ્યા છે. દીપડા ઉપર ફાયરિંગ એ અંતિમ વિકલ્પ રહેશે. તે માટે પોલીસ વિભાગના
શાર્પ શુટરોની મદદ લેવાશે.