/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/sdfds.jpg)
મોરબી બાયપાસ પાસે મચ્છુનગરના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ભારે વરસાદને પગલે ૧૦ ફુટની દીવાલ કાળ બનીને ઝુંપડા ઉપર પડતા ૮ લોકો કાળનો કોળીયો બની મોતને ભેટ્યા હતા. આ ઘટનાથી સમ્ગ્ર મોરબી પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ બનાવમાં ચાર લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે.તમામ મૃતકો મૂળ મધ્યપ્રદેશના હતા. તેઓ છેલ્લા આઠ વર્ષથી મોરબીમાં જ સ્થાયી થયા હતા.
મોરબીના બાયપાસ રોડ વિસ્તારમાં કામધેનુ પાર્ટી પ્લોટ પાસે આવેલી મચ્છુનગરની ઝૂંપડપટ્ટીમાં ભારે વરસાદના પગલે એક મહાકાય ૧૦ ફૂટની દીવાલ ધરાશાયી થઇ હતી. આ દીવાલને અડીને આવેલા ચાર જેટલા ઝૂંપડાની અંદર રહેલા અનેક લોકો દીવાલ માથે પડતા તમામ દબાઈ ગયા હતા. આ અંગેની જાણ થતા સ્થાનિકો અને તંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ કરીને દબાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. દિવાલ પડવાની આ દુર્ઘટનામા કુલ ૮ લોકોના મોત નિપજ્યા હતા. જેમાં તેજલ સોનુભાઈ ખરાડી ઉ.૧૩, અક્લેનભાઈ શેનૂભાઈ ખરાડી ઉ.૧૪, લલીતાબેન શેનૂભાઈ ખરાડી ઉ.૧૬, કસમાબેન શેનૂભાઈ ખરાડી ઉ.૩૦, વિદેશભાઈ ડામોર ઉ.૨૦, આશાબેન પુંજાભાઈ આંબાલિયા ઉ.૧૫, કલિતાબેન વિદેશભાઈ ડામોર ઉ.૧૯ અને કાળીબેન અબ્બુભાઈ ઉ.૧૮નો સમાવેશ થાય છે.
જયારે આ દુર્ઘટનામા મિકલે અખલેશભાઈ અમલીયારા ઉ. ૨૨, નિરુબેન તોલીયાભાઈ અમલીયારા ઉ.૨૧, રેખાબેન રાજેશભાઇ અમલીયારા ઉ.૨૦ અને અજય સેનુભાઈ ખરાડી ઉ.૯ને ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટના સમયે મોટાભાગના સુતા હતા. ઉપરાંત આઠ લોકોનો ભોગ લેનાર ૧૦ ફ્ૂટની દીવાલમા પાયા વગરની હોવાનું જાણવા મળી રહ્યું છે.