/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/5f6f59ed-e539-4253-addf-78bde947816c.jpg)
રાજકોટીયન્સે સોશિયલ મિડિયામાં સ્ટેટસ મુકીને PI સોનારાની બદલીનો વિરોધ નોંધાવ્યો
રાજકોટ શહેર ભાજપના આગેવાન દિનેશ કારિયાની દાદાગીરીને વશ નહીં થઇ તેને માર મારનાર પીઆઇ સોનારાની અન્યત્ર બદલી કરી નાખવામાં આવતાં જાણે રાજહઠની જીત થઇ છે. તો બીજી તરફ પોલીસ તંત્ર રાજકારણ સામે હારી ગયું છે. તેવો સ્પષ્ટ સંદેશો ફેલાયો છે. મહેસાણાના ઈન્ચાર્જ પીઆઈની બદલી રોકવાનું કેમ્પેઇન સોશિયલ મિડિયામાં ચગ્યા બાદ હવે રાજકોટના પી.આઇ બી.પી.સોનારાની બદલી આઇ.બીમાં કરી દેવાતાં રાજકોટીયન્સે સોશિયલ મિડિયામાં સ્ટેટસ મુકીને પી.આઇ સોનારાની બદલીનો ખુલ્લો વિરોધ કરી રહ્યા છે.
રાજકોટ પોલીસ રાજકારણ સામે ઝુકી
શહેરની ટ્રાફિક સમસ્યાને હળવી કરવા મનપા અને પોલીસ તંત્ર દ્વારા દબાણ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેના ભાગ રૂપે શહેર ભાજપના વોર્ડ નં.3ના પ્રભારી દિનેશ કારિયાની ચાની દુકાન પર ડિમોલિશન થઇ રહ્યાની જાણ થતાં દિનેશ ત્યાં દોડી ગયો હતો અને કાનમાંથી કીડા સરી પડે તેવી ગાળો ભાંડવા લાગ્યો હતો. જે અઁગેનો વિડિયો પણ બહાર આવ્યો હતો. બનાવની જાણ થતાં એ.ડિવિઝનના પીઆઇ બી.પી.સોનારા સ્થળ પર પહોંચતા દિનેશે તેની સામે પણ રોફ જમાવ્યો હતો અને તું કારો શરૂ કર્યો હતો.
પીઆઇ સોનારાએ સ્થળ પર જ દિનેશને ફડાકા ઝીંકી કાયદાનુ ભાન કરાવ્યું હતું અને તેને પોલીસ મથકે લઇ જવાયો હતો. પોલીસ સ્ટેશનમાં પીઆઇ સોનારાએ દિનેશ કારિયાને અડધો કલાક ગોઠણ પર બેસાડ્યો હતો. આ ઘટનાક્રમ બાદ પોલીસ તંત્ર પર રાજકીય પ્રેસર આવતા પી.આઇની બદલી કરી દેવામાં આવતા રાજકોટ વાસીઓ રોષે ભરાયા છે. આ પરથી સાબીત થાય છે, કે પોલીસ અધિકારીઓ રાજકારણીઓના પ્રેસરમાં આવીને પોતાનું કામ પણ કરી શકતા નથી.
મંગળવારે રાજ્યના પોલીસ વડા દ્વારા પીઆઇની આઇબીમાં બદલીનો હુકમ કર્યો હતો. બદલી રોકવા માટે સોશિયલ મીડિયામાં ઝુંબેશ ચાલી રહી છે ત્યારે આહિર સમાજના મોટી સંખ્યામાં લોકોએ મવડી પાસે દેવાયત બોદરની પ્રતિમા પાસે બેઠક યોજી હતી. જેમાં 24 કલાકમાં બદલી રોકવા સીપીને અલ્ટિમેટમ આપતી રજૂઆત કરી છે. તેમજ દિનેશ કારીયાએ ફરી દુકાન પાસે ઓટલો કરી લેતા મ્યુ. કમિશનરને પણ ઓટલો તોડવા રજૂઆત કરવામાં આવી છે.
દેવાયત બોદરની પ્રતિમા પાસે યોજાયેલી બેઠકમાં સમસ્ત આહિર સમાજ રાજકોટ, આહિર વીર સપૂત દેવાયતબાપા બોદર સેવા સમિતિ, અખિલ ભારતીય યદુવંશી મહાસભા, ઓલ ઇન્ડિયા યાદવ મહાસભા અને આહિર એકતા મંચ ગુજરાતના કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ બેઠક પીઆઇ સોનારાની બદલી તથા છેલ્લા 2 મહિનાથી આહિર સમાજના અન્ય પોલીસ કર્મચારીઓને થતા અન્યાય અને એકતરફી બદલીઓના વિદોધમાં રાખવામાં આવી હતી.