રાજકોટ : પરણિતાએ પ્રેમસંબંધમાં નડતરરૂપ પતિનો પ્રેમીની મદદથી કાઢયો કાંટો

રાજકોટમાં પતિ, પત્ની અને વો ના
કિસ્સાનો કરૂણ અંજામ આવ્યો છે. પ્રેમ સંબંધમાં નડતરરૂપ પતિનો પત્નીએ તેના પ્રેમી
સાથે મળી હત્યા કરી નાંખી છે. પોલીસે પત્ની તથા તેના પ્રેમીની ધરપકડ કરી લીધી છે.
તારીખ 8 નવેમ્બરે રાજકોટના કોઠારિયા
વિસ્તારમાંથી પરેશ નામના યુવાનનો મૃતદેહ મળ્યો હતો. પોલીસને પરેશની પત્ની કિરણ
પહેલા જ શંકાના ઘેરામાં લાગતી હતી જ્યારે તેની પુછપરછ કરી ત્યારે તે મોબાઇલ ફોનનો
ઉપયોગ ન કરતી હોવાની કબુલાત આપી હતી જો કે કિરણ પાસેથી મોબાઇલ ફોન પણ મળ્યો જ્યારે
મોબાઇલનું જુઠ્ઠાણું પકડાયું ત્યારે કિરણે પોતાનો પતિ પરેશ તેને ઢોર માર મારતો
હોવાથી તેના બે દિયર અને સંતાન સાથે મળીને મોતને ઘાટ ઉતારી દીઘાની મનઘડત વાર્તા
ઉભી કરી. કીરણની કબુલાત અને સ્થળ પરથી મળેલા પુરાવાઓમાં વિસંગતતા જણાતાં પોલીસે
તલસ્પર્શી તપાસ હાથ ધરી. પોલીસે તેની આગવી ઢબે પુછપરછ કરી જેમાં કિરણ પોપટ બની અને
પોતે તેના પ્રેમી મયુર સાથે મળીને હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે કિરણ અને મયુર છેલ્લા બે વર્ષથી એકબીજાના પ્રેમમાં છે. કિરણ અને મયુરના આ સબંધો વિશે કિરણનો પતિ પરેશ બધુ જ જાણી ગયો હતો અને તેના કારણે જ તે કિરણના વર્તન પર નજર રાખતો હતો જે વાત કિરણે તેના પ્રેમી મયુરને કરતાં તેનો કાંટો કાઢી નાખવાનું નકકી કરાયું. 8 તારીખે જ્યારે પરેશ તેના ઘરેથી નિકળ્યો ત્યારે મયુરે તેનું અપહરણ કરીને અવાવરૂ સ્થળે તેને ગળેટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.