/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault40.jpg)
ભાઇ અને બહેનના અપાર સ્નેહને વ્યતિત કરનારા ભાઇબીજના
પર્વની બે દિવસ પહેલાં જ ઉજવણી કરાઇ હતી ત્યારે ભાઇ અને બહેનના સંબંધોને લજવતો
કિસ્સો ભરુચ જિલ્લાના રાજપારડી ખાતે પ્રકાશમાં આવ્યો છે. પ્રેમ લગ્ન કરનારી બહેનને
સગા ભાઇઓએ જ હીંસક હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેતાં ચકચાર મચી છે.
ઝઘડીયા તાલુકાના હીંગોળીયા ગામમાં રહેતા અને લેબ ટેકનીશયન તરીકે ફરજ બજાવતાં હેમંત નરપત વસાવાએ એક વર્ષ પહેલા સરસ્વતી વસાવા સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં. સરસ્વતી વસાવા જંબુસર તાલુકાના ટુંડજ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી. બંને એક જ નાતના હોવા છતાં સરસ્વતીના પરિવારજનો પ્રેમ લગ્નનો વિરોધ કરતાં હતાં. ગુરૂવારના રોજ સરસ્વતીના દાદાએ સમાધાન માટે બોલાવતાં હેમંત અને સરસ્વતી સ્કુટી લઇને રાજપારડી ગયાં હતાં. તેઓ તેમના ગામ પરત ફરી રહયાં હતાં ત્યારે કારમાં સરસ્વતીના બે ભાઇઓ આવ્યાં અને તેમની સ્કુટીને ટકકર મારતાં બંને રોડ પર ફંગોળાય ગયાં હતાં.
સગા ભાઇઓએ પાઇપથી પોતાની સગી બહેન સરસ્વતી અને અને બનેવી હેમંત પર જીવલેણ હુમલો કર્યો. હુમલામાં સરસ્વતી બેભાન થઇ રસ્તા પર જ ઢળી પડી હતી. હેમંતે રાજપારડી ખાતે રહેતાં તેના ભાઇને ફોન કરતાં પરિવારજનો દોડી આવ્યાં અને બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડયાં જયાં સરસ્વતી વસાવાનું મોત નીપજી ચુકયું હતું. ભાઇ અને બહેનના નિસ્વાર્થ પ્રેમને વ્યતિત કરવાના પર્વ ભાઇબીજના બે દિવસ બાદ જ ભાઇના હાથે બહેનની હત્યાના બનાવથી અરેરાટી વ્યાપી ગઇ છે. પ્રેમ લગ્ન કરનારી બહેનને સમાજમાં બદનામીના ડરથી ભાઇઓએ જ મોતને ઘાટ ઉતારી દીધી છે. બનાવ અંગે રાજપારડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.