Connect Gujarat
ગુજરાત

રાજપીપળા: સિવિલ હોસ્પિટલ SNCU વિભાગમાં આગ, સ્ટાફ નર્સની સતર્કતાએ ૭ બાળકોનો બચાવ

રાજપીપળા: સિવિલ હોસ્પિટલ SNCU વિભાગમાં આગ, સ્ટાફ નર્સની સતર્કતાએ ૭ બાળકોનો બચાવ
X

રાજપીપળા સિવિલ હોસ્પિટલના એસ.એન.સી.યુ બાળકોના વિભાગમાં મંગળવારે વહેલી સવારે અચાનક શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. જોકે એ દરમિયાન ફરજ પર હાજર એક નર્સની સતર્કતાને લીધે એ વોર્ડમાં સારવાર લઈ રહેલા ૭ નવજાત બાળકોને ત્યાંથી બચાવી લેવાયા હતા,એ તમામ બાળકો હાલમાં સારવાર હેઠળ છે.

રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં એસ.એન.સી.યુ વિભાગ છે,ત્યાં નવજાત બાળકો કે જે ક્રિટિકલ કન્ડિશનમાં હોય એને ધનિષ્ઠ સારવાર અપાય છે.એ વિભાગમાં મંગળવારે સવારે અચાનક શોર્ટ સર્કિટને લીધે આગ લાગી હતી,મળસ્કે વેહલી સવારે અચાનક અજુકતો અવાજ સંભળાતા ફરજ પર હાજર નર્સ દ્વારા પ્રથમ તો ત્યાં સારવાર લઈ રહેલ ૭ નવજાત બાળકોને બહાર કઢાયા હતા અને એમની માતાને સોંપાયા હતા,બાદ એ બાળકોની ડોકટર દ્વારા તપાસ કરાઈ હતી પણ કોઈ ગંભીર ઇજાઓ ન થઈ હોવાનું બહાર આવ્યું હતું.હાલ તો આ બાળકો સારવાર હેઠળ છે.આ આગની ઘટના બાદ સ્થાનિક કર્મચારીઓએ ફાયર સેફટીના સાધનોથી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

આ બાબતે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સીવીલ સર્જન ડો.જ્યોતિ ગુપ્તાએ જણાવ્યું હતું કે મંગળવારે વહેલી સવારે શોર્ટ સર્કિટને લીધે એક પ્લગમાં આગ લાગતા એ આગ અન્ય સાધનો સુધી પહોંચી હતી.પરંતુ ફરજ પર હાજર નર્સ સેજલબેન વસાવાની સતર્કાતાથી તેમણે ૭ નવજાત બાળકોને બહાર કાઢ્યા હતા અને એમને બીજી જગ્યાએ તબદીલ કરાવ્યા હતા. ફાયર સેફટીના સાધનોથી પ્રથમ આગ બુઝાવવાનો પ્રયત્ન કરાયો હતો,બીજી બાજુ ફાયર ફાયટરો પણ આવી જતા અંતે આગ પર કાબુ મેળવાયો હતો,કોઈ મોટી જાન હાનિ થઈ નથી.૭ બાળકો માંથી ૩ બાળકો તારાબેન કમલેશભાઈ તડવીનું ૬ દિવસનું બાળક, રીટાબેન ભીલનું ૧ દિવસનું બાળક, મૂળાબેન ખાનસિંગ વસાવાને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.જ્યારે રીંકીબેન દિનેશભાઈ રાજપૂતનું ૭ દિવસનું બાળક (આમલેથા),અશ્વિનીબેન અનિલભાઈ તડવીનું પાંચ દિવસનું બાળક,જયાબેન મનહરભાઈ વસાવાનું ૭ દિવસનું બાળક,કવિતાબેન સતીશભાઈ વસાવાનું ૮ દિવસનું બાળકને ખાનગી હોસ્પિટલમાં તબદીલ કરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Next Story