એશિયાની સૌથી વૃદ્ધ હાથણી વત્સલાનું મંગળવારે બપોરે નિધન થઈ ગયું છે.
મધ્યપ્રદેશના પન્ના ટાઇગર રિઝર્વના હિનૌતા રેન્જમાં આવેલા હાથી કેમ્પમાં તેણે અંતિમ શ્વાસ લીધા હતા. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, વત્સલાની ઉંમર 100 વર્ષથી વધુ હતી અને તે લાંબા સમયથી પન્ના જંગલોની ઓળખ રહી હતી.
વાસ્તવમાં તાજેતરના દિવસોમાં વત્સલાના આગળના પગના નખમાં ઈજા પહોંચી હતી. મંગળવારે સવારે તે હિનૌતા વિસ્તારના ખૈરૈયાં નાળા પાસે બેસી ગઈ અને તમામ પ્રયાસો છતાં તે ઊભી ન થઈ શકી. વન વિભાગના કર્મચારીઓએ તેને ઉઠાડવા માટે શક્ય તમામ પ્રયાસો કર્યા, પરંતુ બપોરે લગભગ 1:30 વાગ્યે તેણે અંતિમ શ્વાસ લીધા.
વત્સલાને વર્ષ 1971માં કેરળના નીલંબુર જંગલમાંથી મધ્યપ્રદેશ લાવવામાં આવી હતી. પહેલા તેને નર્મદાપુરમમાં રાખવામાં આવી હતી અને પછી પન્ના ટાઇગર રિઝર્વમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તે તેના જીવનની છેલ્લી ક્ષણ સુધી રહી. તેને દરરોજ ખૈરૈયા નાળામાં સ્નાન કરાવવામાં આવતું હતું અને તેને પોર્રીજ (દલિયા) વગેરે જેવો નરમ ખોરાક આપવામાં આવતો હતો. વૃદ્ધાવસ્થાને કારણે તે જોઈ નહોતી શકતી અને લાંબુ અંતર પણ નહોતી કાપી શકતી.
વર્ષો સુધી વત્સલા પન્ના ટાઇગર રિઝર્વની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહી છે. વૃદ્ધ હોવા છતાં તે હાથીઓના જૂથની આગેવાન હતી અને અન્ય માદા હાથીઓના બચ્ચાની સંભાળ રાખતી હતી. તેણે ઘણા હાથીના બચ્ચાને પ્રેમથી મોટા થતાં જોયા. વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ વત્સલાના સન્માનપૂર્વક અંતિમ સંસ્કાર કર્યા. તેની લાંબી ઉંમરને યોગ્ય સંભાળ અને પન્નાના સૂકા જંગલ વિસ્તારમાં સુરક્ષિત વાતાવરણનું પરિણામ ગણાવ્યું છે.
મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે વત્સલાના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, 'વત્સલાનો 100 વર્ષનો સાથ આજે વિરામ પર પહોંચ્યો. તે માત્ર એક હાથણી નહોતી, તે આપણા જંગલોની મૂક રક્ષક, પેઢીઓની મિત્ર અને મધ્યપ્રદેશની લાગણીઓનું પ્રતીક હતી.
વત્સલાની આંખોમાં અનુભવોનો સાગર હતો અને તેની હાજરીમાં આત્મીયતા હતી. તેણીએ હાથીઓના જૂથનું નેતૃત્વ કર્યું અને બચ્ચાંઓની પ્રેમથી સંભાળ રાખી. આજે તે આપણી વચ્ચે નથી, પરંતુ તેની યાદો હંમેશા આપણી માટી અને મનમાં જીવંત રહેશે. 'વત્સલા'ને નમ્ર શ્રદ્ધાંજલિ!'
Madhya Pradesh | Asia | oldest elephant | Vatsala