વડોદરા રેલવે ડીવીઝન મુસાફરોને વધુ સારી સુવિધાઓ પુરી પાડવા સજજ

પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન વિવિધ આંતર માળખાકીય સુવિધાઓના પ્રોજેક્ટ્સ તથા પ્રવાસીઓની સુવિધા વધારવાના સંખ્યાબંધ પગલાંઓ ભરી રહયું છે.રાષ્ટ્રની પ્રથમ રેલ યુનિવર્સિટી એટલે કે વડોદરા ખાતે નેશનલ રેઇલ એન્ડ ટ્રાન્સપોર્ટ ઇન્સ્ટિટ્યૂટનું રાષ્ટ્રને અર્પણ તથા લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા નજીક કેવડિયા ખાતે વિશ્વસ્તરના અત્યાધુનિક રેલવે સ્ટેશન્સની શિલારોપણ વિધિ જેવી સિદ્ધિઓથી રેલવે ડિવિઝનની કાયાપલટના સાક્ષી બન્યા છે.
વડોદરા સ્ટેશન દેશના બે સૌથી મહત્વના રૂટ ઉપરનું એક મહત્વનું જંકશન સ્ટેશન છે. આ જંકશન દરરોજ આશરે ૨૦૦ ટ્રેન્સનો ટ્રાફિક ધરાવે છે. પાછલાં પાંચ વર્ષોમાં અહીં ૩૦ જેટલી ટ્રેનો ઉમેરાઈ છે તથા ભવિષ્યમાં આ સંખ્યા હજી વધવાની છે. વડોદરા સ્ટેશનને સુંદર કલાત્મક ચિત્રોથી સજાવવામાં આવ્યું છે. આ ઉપરાંત આ સ્ટેશન પર ચાઇલ્ડ હેલ્પડેસ્ક, બેબી ફિડિંગકોર્નર, સેનિટરી નેપકિન વેન્ડિંગ મશીન્સ તથા ઇનસીનરેટરની સુવિધા પણ ઉપલબ્ધ છે. પર્યાવરણ પ્રત્યેની સજાગતાને ધ્યાને લઈને વડોદરા સ્ટેશનપર સોલર પેનલ્સ તથા બોટલ્સ ક્રસિંગ મશીન્સ મૂકવામાં આવેલ છેવડોદરા, ભરૂચ, અંકલેશ્વર અને આણંદ સ્ટેશન્સ પર નિઃશૂલ્ક વાઇ-ફાઇની સુવિધા છે. બુલેટ ટ્રેન કોરિડોર માટે વડોદરા જંકશન નજીકના ફ્લેગ સ્ટેશન છાયાપુરી સ્ટેશનનેરૂ. ૪૩ કરોડના કુલ ખર્ચે એક નવા સેટેલાઇટ સ્ટેશન તરીકે વિકસાવવામાં આવેલ છે.