/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/maxresdefault-112.jpg)
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે આવેલ લક્ષ્મી વિદ્યાપીઠ સ્કૂલ દ્વારા અચાનક સ્કૂલ ફીમાં વધારો કરતા વાલીઓએ હોબાળો મચાવી ફી વધારો પાછો ખેંચવા શાળા સંચાલકોને રજૂઆત કરી હતી.
ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે આવેલ લક્ષ્મી વિદ્યાપીઠ સ્કૂલ સંચાલકો દ્વારા નવા સત્રમાં ફીમાં અચાનક ૩૫%નો વધારો ઝીંકી દેવાતા વાલીઓએ શાળા સંકુલ ખાતે ધસી જઈ હોબાળો મચાવી પોતાનો રોષ પ્રગટ કર્યો હતો. એમના કહેવા મુજબ અચાનક શાળા ચાલુ થયા બાદ કરાયેલો ફી માં ભાવ વધારો અશહ્ય છે. તેમજ આના પગલે વિદ્યાર્થીઓના ભણતર સાથે વાલીઓની આર્થીક સ્થીતીનું પણ શાળા સંચલકોએ ધ્યાન રાખવું જોઇએ તથા આ અંગે અગાઉથી વાલીઓ સાથે વિચાર વિમર્સ કરવો જોઇએ કહી શાળા સંચાલકો પાસે ફી વધારો પાછો ખેંચવા માંગ કરી હતી.
આ અંગે વાલી રાજુભાઈ એમ. પટેલે એક વાતચીતમાં જણાવ્યું કે તેમનો છોકરો આઠમા ધોરણમા લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામમાં ભણે છે. તેની છેલ્લા વર્ષની ફિ રૂપિયા 42500 /- હતી અને હાલ તેની ફી રૂપિયા 55965/- કરી દીધી છે અને એ પણ સ્કૂલ ચાલુ થઈ પછી, તો સવાલ એ થાય છે કે ફી વધારાની જાણકારી માટે પહેલા વાલીઓની મિટિંગ બોલાવીને કેમ જણાવવામાં નહીં આવ્યું ? આજે અમે તમામ વાલી શાળા સંકુલમાં ભેગા મળી આ ફી વધારો પાછો ખેંચવા માંગ કરી છે. ત્યારે પ્રત્યુત્તરમાં શાળા સંચાલકો દ્વારા ચર્ચા માટે યોગ્ય સમયની માંગ કરી છે.