/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/10/unnamed-6-1.jpg)
એક તરફ ઉરીમાં આતંકવાદી હુમલામાં ભારતના 18 જવાનો શહીદ થયા બાદ ભારતીય સેનાએ કરેલી સર્જીકલ સ્ટ્રાઇકના ચારેકોર વખાણ થઇ રહ્યા છે તો બીજી તરફ કેટલાક લોકો તેની વિશ્વસનીયતા પર સવાલ પણ ઉઠાવી રહ્યા છે. પરંતુ મોદી સરકાર સર્જીકલ સ્ટ્રાઇકના કોઇ પુરાવા આપવાના મુડમાં નથી.
સર્જીકલ સ્ટ્રાઇક બાદ પુરાવા જાહેર કરવામાં ભલે ભારતીય સેનાને કોઇ સમસ્યા ના હોય પરંતુ મોદી સરકારનો પુરાવા જાહેર કરવાનો કોઇ ઇરાદો જણાતો નથી.
સુત્રોના જણાવ્યા મુજબ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠક મળી હતી. જેમાં સુરક્ષા સાથે જોડાયેલી કેટલીક મહત્વની માહિતી અંગે ચર્ચા કરવામાં આવી હતી. જોકે, સરકારે અગાઉથી જ નક્કી કરી રાખ્યું હતું કે સર્જીકલ સ્ટ્રાઇકના કોઇ જ પુરાવાને જાહેર કરવામાં નહી આવે.
અગાઉ ભારતીય સેનાએ જણાવ્યું હતું કે તેમને પુરાવા આપવામાં કોઇ વાંધો નથી. જોકે, આ મામલે સરકારનું કહેવુ છે કે સર્જીકલ સ્ટ્રાઇક અંગે સેનાએ કરેલા ખુલાસાથી વધારે કંઇ ન હોઇ શકે. જો કોઇ તેના પર વિશ્વાસ કરવા નથી માંગતુ તો તે તેની સમસ્યા છે. જ્યારે ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજ્જુએ જણાવ્યુ હતુ કે આ મામલે લોકોએ સેનાની વાત પર વિશ્વાસ કરવો જોઇએ.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસી નેતા સંજય નિરૂપમે સર્જીકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવ્યા હતા. તો દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પણ પાકિસ્તાનના જુઠાણાનો પર્દાફાશ કરવાની માંગણી સરકાર પાસે કરી હતી.